(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
પાટનગર દિલ્હીમાં કાનૂન વ્યવસ્થા લડખડાઈ છે. ત્રણ વર્ષમાં પ હત્યાઓના બનાવો નોંધાયા છે. શાલીમાર બાગ, કિશ્ચિનનગર અને ન્યૂ ઊસ્માનપુર વિસ્તારમાં ફાયરિંગના બનાવો બન્યા છે. મંગળવારે રાત્રે શાલીમાર બાગ નજીક એક મહિલાને તેના બે વર્ષના બાળકની હાજરીમાં ઠાર કરાઈ. આ મહિલાનું નામ પ્રિયા મહેરા છે. જે પતિ પંકજ મહેરા અને બે વર્ષની બાળા સાથે ગુરૂદ્વારાથી પરત ફરી રહી હતી. પરિવાર કારમાં જઈ રહ્યો હતો. ત્યારે એક કારે ઓવરટેક કરી તેમાં સવાર હુમલાખોરોએ પંકજ સામે બંદૂક તાકી ફાયરિંગ કરતાં પંકજના બદલે ગોળી તેની પત્ની પ્રિયાને વાગી હતી. પ્રિયા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. હુમલાખોરો ભાગી છૂટયા હતા. ઘાયલ પત્નીને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી ત્યારે હોસ્પિટલના સૂત્રોએ પોલીસની હાજરી વગર સારવારનો ઈન્કાર કર્યો હતો. પ્રિયાનું મોત થયું હતું. પરિવારે પોલીસ અને હોસ્પિટલ પર લાપરવાહીનો આરોપ મૂક્યો હતો. પોલીસે પોતાની હુકુમત વિસ્તારમાં બનાવ ન બન્યો હોવાનું જણાવી કેસ નોંધ્યો ન હતો. પંકજ પહાડગંજનો વેપારી છે. પ્રિયા હાઉસવાઈફ હતી. બીજા એક આવા બનાવમાં બે વ્યક્તિઓની ગોળી મારી હત્યા કરાઈ હતી. બાઈક પર આવેલ હુમલાખોરોએ હત્યાને અંજામ આપ્યો હતો. આ ઘટના ઊસ્માનપુરા અને ક્રિશ્ચિયનનગર ખાતે સોમવારે બની હતી. ઊસ્માનપુરામાં ર૩ વર્ષના રોહિત પાલને માથામાં ગોળી મારી હત્યા કરાઈ હતી જે બે કેસોમાં આરોપી હતો જેમાં ચોરી અને ખંડણી સામેલ છે. સ્થાનિકોનું કહેવું છે કે, પાલની હત્યા ગેંગ વોરનો ભાગ છે. ક્રિશ્ચિયનનગરમાં એક ભંગારની દુકાનના માલિક જાફરને ઠાર કરાયો હતો. ઘટનાસ્થળેથી ૮ ખાલી બુલેટ મળી હતી. વધુ તપાસ ચાલુ છે. રવિવારે વાઝીદ નામના શખ્સને અજાણ્યા હુમલાખોરે ઠાર કર્યો હતો. જ્યારે તેનો મિત્ર ઘાયલ થયો હતો. આ ઘટના બ્રહ્મપુરી ખાતે બની હતી. જ્યારે બ્રહ્મપુરીમાં જ રર વર્ષના યુવક આરીફખાનની ગોળી મારી હત્યા કરાઈ હતી.