શંકા દૂર થઇ, અવિશ્વાસ પ્રસ્તાવમાં શિવસેના મોદી સરકારને સાથ આપશે

વિભિન્ન મુદ્દાઓ અંગે મોદી સરકારની આકરી ટીકા કરનાર શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેને ભાજપના પ્રમુખ અમિતશાહે ગુરૂવારે ફોન કર્યો હતો. શાહ સાથે ફોન પર વાતચીત થયા બાદ ઉદ્ધવ ઠાકરે શુક્રવારે લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવ પર નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારને સમર્થન આપવા રાજી થઇ ગયા છે અને શિવસેનાના સાંસદોને વ્હિપ જારી કરાયો છે તેમ જ કેન્દ્ર સરકારનું સમર્થન કરવાનો સેનાના સાંસદોને આદેશ અપાયો છે. સૂત્રોએ જણાવ્યું કે શિવસેનાના નેતા સંજય રાઉતે તેમના પક્ષના ૧૮ સાંસદોના મત વિશે પક્ષના વડા નિર્ણય લેવાના હોવાનું જણાવ્યા બાદ અમિતશાહે ઉદ્ધવને ફોન કર્યો હતો. મોદી સરકાર સામે અવિશ્વાસના પ્રસ્તાવ અંગે પળેપળ રાજનીતિ બદલાઇ રહી છે. અત્યાર સુધી પોતાના પત્તા ખોલવા તૈયાર નહીં દેખાતી અને દરેક મુદ્દાએ મોદી સરકારની આકરી ટીકા કરનાર શિવસેનાએ હવે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. શિવસેનાએ જણાવ્યું કે, તે અવિશ્વાસ પ્રસ્તાવ પર મોદી સરકારને સાથ આપશે. શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેની નિકટના સૂત્રોએ આ માહિતી આપી છે. અવિશ્વાસ પ્રસ્તાવ પર શુક્રવારે મતદાન થશે. સૂત્રોએ જણાવ્યું કે, અમે ભાજપનું સમર્થન કરીશું. શિવસેનાના આ પગલાથી એનડીએ ફરીએક વાર સંગઠિત દેખાઇ રહ્યું છે. સંસદીય બાબતોના પ્રધાન અનંતકુમારે એવી જાહેરાત કરી છે કે, શિવસેના તેમની સાથે છે. આશ્ચર્યની વાત તો એ છે કે, દરેક મુદ્દા પર પાર્ટી લાઇનની વિરૂદ્ધમાં જઇને નિવેદન કરનારા પટણા સાહિબથી ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહાએ પણ કહ્યું છે કે, આ મુશ્કેલીના દોરમાં તેઓ પણ મોદી સરકાર સાથે છે. એટલે કે શત્રુઘ્નસિંહા પણ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવની વિરૂદ્ધમાં મતદાન કરશે. ૨૦૦૩ પછી પહેલી વાર કેન્દ્ર સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. દરમિયાન, અવિશ્વાસના પ્રસ્તાવ પર મતદાનના એક દિવસ પહેલાં જૂથબંધી શરૂ થઇ ગઇ છે. શાસક પક્ષ અને વિપક્ષની તાકીદની બેઠકોનો સિલસિલો ચાલુ છે. બંને પક્ષો પોતાની તરફેણમાં વધુમાં વધુ સાંસદોનું સમર્થન મેળવવાની વ્યૂહરચના બનાવી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts