શંકરસિંહને ર૦ વર્ષ કોંગ્રેસમાં રાખ્યા તેમજ કેન્દ્રીય મંત્રી બનાવ્યા એ અમારી ભૂલ હતી

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૪
અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે યુથ કોંગ્રેસ દ્વારા યોજાયેલા લોકશાહી વિજય વિશ્વાસમાં ગુજરાત કોંગ્રેસમાં પ્રભારી અશોક ગેહલોતે શંકરસિંહ વાઘેલા પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે શંકરસિંહ વાઘેલાને અમે ર૦ વર્ષ સુધી પાર્ટીમાં રાખ્યા એ અમારી ભૂલ હતી. હવે રર વર્ષ બાદ ગુજરાતમાં ભાજપના કુશાસનનો અંત આવશે.
ભાજપ સરકારનો ચહેરો પ્રજા સમક્ષ ખુલ્લો પાડવા તેમજ ગુજરાતની જનતાના સળગતા પ્રાણપ્રશ્નોને લઇ યુથ કોંગ્રેસ દ્વારા આજે અમદાવાદમાં લોકશાહી વિજય વિશ્વાસ સંમેલન યોજાયુ હતુ. જેમાં કોંગ્રેસના યુવા દિગ્ગજોથી લઇ મોટા નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના ગુજરાતના પ્રભારી અશોક ગેહલોતે આકરાપ્રહારો કરતા જણાવ્યું હતું કે, શંકરસિંહ વાઘેલાને અમે ૨૦ વર્ષ સુધી પાર્ટીમાં રાખ્યા એ અમારી સૌથી મોટી ભૂલ હતી. અમે તેમને કેન્દ્રના મંત્રી બનાવ્યા અને પરિવારના એક સભ્ય તરીકે ગણ્યા પરંતુ તે અમારી ભૂલ હતી. કોઇપણ અમારી પાર્ટી છોડીને જાય તો, અમને ફરક નહી પડે. ગેહલોતે વધુમાં જણાવ્યું કે, શંકરસિંહે કોંગ્રેસપક્ષ સાથે ગદ્દારી કરી છે અને હજુ તેઓ જિલ્લા-તાલુકાઓને તોડવાની પ્રવૃત્તિ કરતા રહેશે પરંતુ કોંગ્રેસપક્ષ અને સંગઠન મજબૂત છે. કોંગ્રેસ લોકોની પાર્ટી છે. કોંગ્રેસ સત્તામાં નહી, લોકોની સેવા કરવામાં માને છે. તેમણે ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું કે, ભાજપનો અસલી ચહેરો પ્રજા હવે જાણી ગઇ છે અને તેથી તે ગાય અને રામનું નામ લઇ આગળ જઇ રહી છે પરંતુ વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને ગુજરાતની પ્રજા જવાબ આપશે. કોંગ્રેસ સાથે ગદ્દારી કરનાર ૧૪ ધારાસભ્યોને આગામી ચૂંટણીઓમાં હરાવવા તેમણે યુથ કોંગ્રસને હાકલ કરી હતી. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ અમરિન્દર બ્રારે ભાજપ પર ચાબખા મારતાં જણાવ્યું કે, ભાજપની રાજનીતિ જ સત્તા અને હોદ્દાઓ મેળવવા માટેની છે. ગોધરાકાંડ, હિંદુ-મુસ્લિમ અને મંદિર-મસ્જિદની લડાઇ કરવી સત્તા મેળવવી તે તેની માનસિકતા છે. અંગ્રેજોને કાઢવામાં કોંગ્રેસે ૬૩ વર્ષ ભોગ આપ્યો હવે ગુજરાતમાં ૨૨ વર્ષ બાદ ગુજરાતમાં ફરી એકવાર કોંગ્રેસ આવશે. બ્રારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ પ્રહાર કરતાં જણાવ્યું કે, નરેન્દ્ર મોદી રાવણની જેમ અભિમાન કરી રહ્યા છે. મોદી શાસનમાં લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે, નરેન્દ્ર મોદીના ગુંડાઓથી આપણે સૌ કોઇ ડરી રહ્યા છીએ એવી સ્થિતિ છે તેમણે ઉમેર્યું કે, જેલમાં ગયેલા અને તડીપાર થયેલા લોકોને રાહુલ ગાંધી પર આક્ષેપ કરવાનો અધિકાર નથી. નાગપુરમાં રાષ્ટ્રધ્વજ ન ફરકાવતા લોકો દેશપ્રેમની વાતો શીખવાડી રહ્યા છે, તે હાસ્યાસ્પદ લાગે છે. દરમ્યાન પ્રદેશ કોંગ્રસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે, આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ ત્રિરંગો લહેરાવશે. વિધાનસભાની ચૂંટણીઓની જીતમાં યુથ કોંગ્રેસનો બહુ મહત્વનો ફાળો હશે. જો કોંગ્રેસ સત્તામાં આવશે તો બેરોજગાર યુવકોને બેરોજગારી ભથ્થુ આપવા સહિતની તેમણે જાહેરાત કરી હતી. યુથ કોંગ્રેસના આ વિશાળ સંમેલનમાં રાજયભરમાંથી જિલ્લા-તાલુકા કક્ષાએથી અને ગામડે-ગામડેથી પંદર હજારથી વધુ કોંગ્રેસના યુવા કાર્યકરો ઉમટયા હતા, જેને લઇ આખો હોલ ખીચોખીચ ભરાઇ ગયો હતો. યુથ કોંગ્રેસના સંમેલનમાં ગુજરાતમાં બેરોજગારી, વિદ્યાર્થીઓના શિક્ષણમાં થઇ રહેલા શોષણ, નોકરીઓમાં ફિક્સ વેતનની સરકારની શોષણયુકત નીતિ, બનાસકાંઠાના તાજેતરના પૂરપીડિતોની વ્યથા, સરકાર દ્વારા સમયસર નહી પહોંચેલી સહાય, ખેડૂતોની દયનીય સ્થિતિ, મહિલાઓની સુરક્ષા સામે સવાલો, શિક્ષણનું વ્યાપારીકરણ, ખેડૂતોની દેવા માફી, બેરોજગારોને નોકરી, રાજયમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સહિતના વિવિધ મુદ્દાઓને લઇ સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks