શંકરસિંહ વાઘેલાના સમર્થકોએ લોન્ચ કરી નવી પાર્ટી ‘જન વિકલ્પ’

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.પ
શરીર કોંગ્રેસમાં પરંતુ આત્મા ભાજપમાં ધરાવતા અને પૂર્વ વિધાનસભા અધ્યક્ષ વજુભાઈ વાળાના શબ્દોમાં કહીએ તો એક મગની બે ફાડ પૈકીના એક શંકરસિંહ વાઘેલાના સમર્થકોએ ‘જન વિકલ્પ’ નામે ત્રીજા મોરચાની જાહેરાત કરી છે. ભાજપ અને કોંગ્રેસના ત્રીજા વિકલ્પ તરીકે શંકરસિંહ પ્રેરિત આ ત્રીજા મોરચાના પોસ્ટર્સ અને બેનરો ઠેર ઠેર લાગ્યા છે અને જનવિકલ્પની વેબસાઈટ પર લોન્ચ કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાની આગામી ડિસેમ્બરમાં આવી રહેલી ચૂંટણી માટેની તૈયારીઓ અમદાવાદની સડકો પર દેખાવા લાગી છે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ અનેક બીજાને નીચા દર્શાવી પોતાની છબી મજબૂત રીતે ઉપસાવવા પ્રતિબદ્ધ છે. ત્યારે આ વચ્ચે, એક નવું પરિમાણ ગુજરાતની રાજનીતિમાં ઊભરતું દર્શાઈ રહ્યું છે અને એ છે જનવિકલ્પ.
રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ વિરોધ પક્ષ નેતા શંકરસિંહ વાઘેલાના સમર્થકો કે જેમણે હાલમાં જ તેમની સાથે કોંગ્રેસ છોડી છે તેમણે ‘જન વિકલ્પ’ નામે ત્રીજો મોરચો ખોલ્યો છે. તેમજ લોકોને ભાજપ-કોંગ્રેસના વિકલ્પ તરીકે નવા વિકલ્પ સાથે જોડાવા માટે અપીલ કરતા આ બેનરમાં લોકોને સાથે જોડાવા માટે મિસકોલ આપી પોતાને રજિસ્ટર કરાવવા અપીલ કરી છે. ‘જન વિકલ્પ’ની વેબસાઈટમાં કહેવામાં આવ્યું છે કે પાછલા ૭૦ વર્ષમાં ભાજપ અને કોંગ્રેસે ફક્ત ‘અત્યાચાર, શોષણ, ગરીબી, ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર સિવાય કંઈ આપ્યું નથી.’ આ કેમ્પેઈનમાં તેમણે જીએસટીના કારણે ઈન્ડસ્ટ્રી અને ટ્રેડર્સને પડતી મુશ્કેલીનો પણ અંત લાવવાનું વચન આપ્યું છે. તેમજ મોંઘી શિક્ષણ અને આરોગ્ય સેવામાંથી મુક્તિનો પણ વાયદો કર્યો છે.
શંકરસિંહ વાઘેલાએ હજુ સુધી આ ગ્રુપ સાથે પોતાને પ્રોજેક્ટ કર્યા નથી. તેમણે કહ્યું કે, ‘સમાજના જુદા જુદા વર્ગોના પ્રતિનિધિઓ મારી પાસે આવ્યા હતા. તેમણે આ મોરચો લોન્ચ કર્યો છે. જો તેઓ કહેશે તો હું આગેવાની લઈશ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks