Ahmedabad

શંકરસિંહની શરદ પવાર સાથે સૂચક બેઠક; મહાગઠબંધનને જાહેર કર્યો ટેકો

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧ર
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકારણના દિગ્ગજ ગણાતા એવા શંકરસિંહ વાઘેલાએ ફરી ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. બાપુએ એનસીપીના અધ્યક્ષ શરદ પવાર અને પ્રફુલ પટેલ સાથે બેઠક કરી લોકસભા ચૂંટણી માટેના મહાગઠબંધનને ટેકો જાહેર કરતાં ફરી એક વાર ચર્ચાઓ શરૂ થઈ જવા પામી છે. બાપુની આ મુલાકાતથી તેઓ આગામી સમયમાં એનસીપી સાથે જોડાય અને ગુજરાતમાં પક્ષની કમાન તેમને સોંપવામાં આવે તેવી અટકળોએ જોર પકડ્યું છે. બાપુનું આ નવું ગઠબંધન કોંગ્રેસ માટે ચિંતાજનક બની રહે તેમ જણાય છે. શંકરસિંહ વાઘેલાએ એનસીપીનાં અધ્યક્ષ શરદ પવાર અને પ્રફુલ પટેલ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. શંકરસિંહ વાઘેલાની આ બેઠકને લઇને તેઓ એનસીપીમાં જોડાશે તેવી અટકળોએ શરૂ થઈ જવા પામી છે. જો કે આ વિશે એનસીપી દ્વારા કોઇ જ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ શંકરસિંહ વાઘેલાએ પોતાના ટિ્‌વટર પર આ મુલાકાતની જાણકારી આપી છે. શંકરસિંહ વાઘેલાએ ટિ્‌વટ કર્યું છે કે, ‘થોડાક દિવસ પહેલા એનસીપીનાં અધ્યક્ષ શરદ પવાર અને પ્રફુલ પટેલને મળ્યો અને આવનારા લોકસભા ઇલેક્શનને લઇને મહાગઠબંધન માટે મારો સપોર્ટ જાહેર કર્યો.’ શંકરસિંહ વાઘેલાની એનસીપી સાથેની આ મુલાકાતને કારણે રાજકારણ ગરમાયુ છે. ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલાનાં પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ પણ ભાજપમાંથી રાજીનામુ આપી દીધું છે. એનસીપી સાથેની શંકરસિંહ વાઘેલાની મુલાકાતથી માનવામાં આવી રહ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણી તેઓ એનસીપી તરફથી લડી શકે છે. તો આવનારા દિવસોમાં એનસીપી તરફથી ગુજરાતમાં એનસીપીની કમાન શંકરસિંહ વાઘેલાને સોંપાય તેવું પણ માનવામાં આવી રહ્યું છે. શંકરસિંહ વાઘેલાએ પણ મહાગઠબંધનને પોતાનું સમર્થન આપ્યું છે.
એનસીપી ગુજરાતમાં કોંગ્રેસની સેફ બેઠકો મેળવવા માગે છે. જ્યાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત છે. જેથી કોંગ્રેસને ફટકો પડશે. ભાજપ માટે તો કોંગ્રેસ જીતે કે એનસીપી કોઈ ફર્ક પડવાનો નથી. શંકરસિંહ કે દીકરો મહેન્દ્રસિંહ જીતે તો ભવિષ્યમાં ભાજપને સાથ આપી શકે છે. બીજી તરફ ત્રણ મહિના પહેલાં જ ભાજપમાં જોડાયેલાં શંકરસિંહ વાધેલાના દિકરા મહેન્દ્ર સિંહ વાઘેલા એ ભાજપ સાથે છેડો ફાડી લીધો છે. ભાજપમાં જોડાવવા માટે ઘણીવાર અમિત શાહ સાથે મુલાકાત કરનાર અને શંકરસિંહને ધરાર અવગણીને ભાજપમાં જોડાયેલા મહેન્દ્રસિંહે શા માટે એકાએક એક લિટીમાં રાજીનામું આપ્યું, તે માટે શંકરસિંહનું રાજકીય ભેજું કામ કરી ગયું હોવાનું મનાઈ રહ્યું છે.
શંકરસિંહ વાધેલાએ હાલમાં એનસીપી સાથે જોડાણ કર્યું હોવાનું કહેવાય છે. લોકસભાની ચૂંટણીમાં શરદપવારની એનસીપી અને કોંગ્રેસ એક સાથે જોડાણ કરે તેવી સંભાવના છે. જેને પગલે હાલમાં ગુજરાતની ૨૬ સીટોમાંથી ૪ સીટો એનસીપીએ માગી છે. ગુજરાતમાં લોકસભાની ૨૬ સીટો ભાજપની પાસે છે. પરંતુ આ વર્ષે સ્થિતિ બદલાય તેવી પુૂરી સંભાવના છે. કોંગ્રેસ ૪થી ૫ સીટો જીતે તેવી શક્યતા વચ્ચે એનસીપી કોંગ્રેસની મજબૂત ગણાતી બે બેઠકો માગે તેવું સૂત્રો કહી રહ્યાં છે. જેમાં કોંગ્રેસે એનસીપીને સહયોગ આપવો પડશે. આમ એનસીપી માટે ગુજરાતમાં બંને હાથમાં લાડું છે હારે તો કંઇ જવાનું નથી અને જીતે તો ફાયદો જ છે.