(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૦
ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાનો આવતીકાલે ૭૭મો જન્મ દિવસ છે અને બાપુએ આ દિવસે સમ સંવેદના સંમેલન યોજવાની જાહેરાત કરી કોંગ્રેસ હાઈકમાન્ડને દોડતા કરી દીધા છે. પરંતુ જાણવા મળ્યા મુજબ હાઈકમાન્ડ હવે ઝૂકવાના મૂડમાં નથી બાપુને જે નિર્ણય લેવો હોય તે લઈ શકે છે. ત્યારે શંકરસિંહ બાપુ પણ આવતીકાલે તેમને છોત્તેર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસને છોડવાની જાહેરાત કરી શકે છે અને તેમના સમર્થકોને પણ તેમના આત્માના અવાજને અનુસરવા જણાવી શકે છે. શંકરસિંહ વાઘેલા આજે છેલ્લો પ્રયત્ન કરી જોવાના વિશ્વાસ સાથે દિલ્હી ગયા હતા. જો કે, તેઓ અંગત કામે ગયા હોવાનું જણાવ્યું હતું. પરંતુ દિલ્હીમાં તેમને તમે ચૂંટણીના કામે લાગો પછી નિર્ણય કરીશું. એવી એજ જૂની રેકર્ડ જ સાંભળવા મળતા બાપુ નિરાશવદને પાછા ફર્યા છે. હવે તેઓ આવતીકાલે સમ સંવેદના સંમેલનમાં તેમની વેદના ઠાલવશે તેમ મનાઈ રહ્યું છે. આજનો બાપુનો જન્મદિવસ કોંગ્રેસમાંથી વિદાયનો દિવસ બની રહેશે તેવું તેમના સમર્થકો જણાવી રહ્યા છે. છે. સમ સંવેદના સંમેલનમાં લગભગ એક કલાકની વેદનામાં બાપુ પોતાની રાજકીય કારકિર્દીની ચર્ચા કરશે. કોંગ્રેસમાં તેમને મળેલા માન-સન્માન અંગે હાઈકમાન્ડનો આભાર વ્યકત કરશે ત્યારબાદ પોતે રાજકીય કારકિર્દીને પૂર્ણવિરામ કરી સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે ધ્યાન આપશે તેવી જાહેરાત કરી શકે છે જ્યારે તેમના સમર્થક ધારાસભ્યોને છૂટો દોર આપી શકે છે કે તમારે કોંગ્રેસમાં રહેવું કે અન્યત્ર જવું તે તમારા હાથમાં છે. હવે તમે મારી શેહશરમમાંથી મુક્ત છો એમ કહી શકે છે. આ સમસંવેદના સંમેલનમાં શંકરસિંહ બાપુના કેટલાક સમર્થક ધારાસભ્યો પણ તેમની સંવેદના પાઠવી શકે છે કારણ કે આજે રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસના ૯ જેટલા ધારાસભ્યોએ ક્રોસવોટિંગ કર્યાનું ખુલ્યું છે. તેઓ હવે આવતીકાલે જાહેરમાં કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી શકે છે. આમ આવતીકાલે ગાંધીનગરના ટાઉનહોલ ખાતે યોજાનારા સંમેલન તરફ કોંગ્રેસ-ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોની નજર મંડરાયેલી છે.
જન્મદિવસની આડમાં કોઈપણ પ્રકારની રાજનીતિ સ્વીકાર્ય નથી
શંકરસિંહ વાઘેલા અંગે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે બાપુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. રપમી જૂનના રોજ તેમણે ગાંધીનગર ખાતેથી મીટિંગમાં પક્ષ અંગે જે વાત કરી હતી તે તેમણે કરવી જોઈએ નહી. તેમની વરિષ્ઠતાને ધ્યાનમાં રાખી પક્ષે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. ૧૮મી જુલાઈના સંકલન સમિતિના આગેવાનોએ બાપુને કોંગ્રેસે એક થઈને ચૂંટણી લડવી જોઈએ તેવો અનુરોધ કર્યો હતો અને બાપુને જન્મ દિવસની શુભેચ્છા પાઠવીએ છીએ. પરંતુ જન્મ દિવસની આડમાં કોઈપણ પ્રકારની રાજનીતિ ઉચિત નથી અને અસ્વીકાર્ય છે જેને પક્ષ સાંખી લેશે નહી. દરમ્યાન જાણવા મળ્યા મુજબ બાપુ સંમેલનને લઈ શહેર કે પ્રદેશના કોઈપણ હોદ્દેદારોને ન જવા સુચના અપાઈ છે અને તમામને પ્રદેશ કાર્યાલયમાં હાજર રહેવા જણાવાયું છે.
અમિત શાહના વિસ્તારમાં શંકરસિંહને જન્મદિનની શુભેચ્છા પાઠવતા પોસ્ટર્સ
આવતીકાલે ર૧ જુલાઈના રોજ શંકરસિંહ વાઘેલાનો જન્મદિન હોવાથી અમદાવાદ શહેરમાં તેમને જન્મદિનની શુભેચ્છા પાઠવતા પોસ્ટર્સ લાગતા રાજકીય ચર્ચા શરૂ થઈ છે. ચોંકાવનારી બાબત એ છે કે આ જન્મદિનના પોસ્ટર્સ એસ.જી.હાઈવે અને નારણપુરા જેવા ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં લાગ્યા છે. આ પોસ્ટર્સ કોણે લગાવ્યા છે તે હજી રહસ્ય છે પરંતુ પોસ્ટર્સમાં કોંગ્રેસના નામનો ક્યાંય ઉલ્લેખ નથી અને પોસ્ટર્સમાં બાપુને રાજનેતા કરતા લોકલાડીલા નેતા તરીકે દર્શાવાયા છે. નારણપુરા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો ગઢ ગણાય છે. ત્યાં જ આ પોસ્ટર્સ એ વધારે આશ્ચર્ય સર્જયું છે.