(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૧
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે જણાવ્યું હતું કે, શરદ યાદવ તેમનો માર્ગ પસંદ કરી શકે છે જેનો અર્થ એ થયો કે, તેઓ તેમના સાથીદારને મનાવવા માટે વધુ પ્રયાસ નહીં કરે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહને મળવા માટે દિલ્હી ગયેલા નીતિશ કુમારે જણાવ્યું હતું કે, શરદ યાદવ જે કરવા માગે છે તે કરવા માટે મુક્ત છે. નીતિશ કુમારે નાટ્યાત્મક ગુલાંટ માર્યા બાદ પહેલીવાર જાહેરમાં આ પ્રકારનું નિવેદન આપ્યું છે. નીતિશ કુમારે ભાજપ સાથે સરકાર રચવા માટે આરજેડી અને કોંગ્રેસના મહાગઠબંધન સાથે છેડો ફાડતા શરદ યાદવ નારાજ થયા હતા કારણ કે, તેમને ત્યાં સુધી જાણ કરાઇ નહોતી જ્યાં સુધી નીતિશે જાહેરમાં આવી ભાજપ સાથે જવાના પોતાના નિર્ણયની જાહેરાત નહોતી કરી. જોકે, નીતિશે હાલ પણ એમ કહ્યું છે કે, પક્ષે પોતાનો નિર્ણય લઇ લીધો છે અને શરદ યાદવે તેને માનવો જ પડશે.
રાજ્યના મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમારે ફરી શપથ ગ્રહણ કરતા શરદ યાદવ આ પ્રસંગે હાજર રહ્યા નહોતા. બાદમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, નીતિશ કુમારે ૨૦૧૫માં લોકોએ દર્શાવેલા વિશ્વાસને તોડ્યો છે. લોકોએ મહાગઠબંધનને મત આપ્યો હતો જેમાં જેડીયુ, આરજેડી અને કોંગ્રેસ સામેલ હતા. એક દિવસ પહેલાં શરદ યાદવે જેડીયુ દ્વારા તેમની ભાષા પર નજર રખાતી હોવાની સામે ચેતવણી આપી હતી. બિહારના ત્રણ દિવસના જન સંવાદ પ્રવાસ પહેલાં શરદ યાદવે જણાવ્યંુ હતું કે, નીતિશ કુમાર પક્ષનું સંસ્કારી વર્ઝન ચલાવી રહ્યા છે જ્યારે અસલ જેડીયુ જનતાની મળશે. તેમણે નીતિશ કુમાર પર લોકોને છેતર્યાનો આરોપ લગાવ્યો હતો. જોેકે, શરદ યાદવની ટિપ્પણીની નીતિશની છાવણી પર અસર પડી હતી અને પક્ષના પ્રવક્તા કેસી ત્યાગીએ જણાવ્યું હતું કે, નીતિશ કુમાર અને બિહારની સરકાર અંગે તેમની ટિપ્પણી વાંધાજનક અને ગેરવાજબી છે. અમે હદ વટાવી જનારા નિવેદનને પરત ખેંચવા તેમને કહીશું.
આ પહેલાં બિહાના ત્રણ દિવસના પ્રવાસે આવેલા જેડીયુના વરિષ્ઠ નેતા શરદ યાદવે મીડિયાને જણાવ્યું હતું કે, તેમની પાર્ટીએ મહાગઠબંધન છોડ્યું તે અંગે તેઓ સામાન્ય લોકો સાથે વાત કરશે. એવું માનવામાં આવે છે કે, નીતિશ કુમારે ભાજપ સાથે મળીને સરકાર બનાવતા શરદ યાદવ નારાજ હતા. શરદ યાદવ હવે જન સંવાદ યાત્રા દ્વારા ઓછામાં ઓછા ૧૦ વિધાનસભા ક્ષેત્રોની મુલાકાત લે તેવી સંભાવના છે. શરદ યાદવે જણાવ્યું હતું કે, અમે પાંચ વર્ષ માટે મહાગઠબંધનની રચના કરી હતી. જોકે, અધવચ્ચે જ મહાગઠબંધન તોડવાને કારણે અમે ૧૧ કરોડ લોકોનો વિશ્વાસ ગુમાવ્યો છે. બિહારના લોકોને મહાગઠબંધનને મત આપવાનું કહેનારાઓમાં હું પણ સામેલ છું. હું આ જવાબદારીને માનું છું.શરદ યાદવે જણાવ્યું કે, લોકોએ અમને સહકાર આપ્યો અને અમારી સરકાર પાસે ઘણી અપેક્ષા રાખી હતી.
વર્ષ ૨૦૧૫માં આરજેડી, જેડીયુ અને કોંગ્રેસ વચ્ચે ભાજપને સત્તાથી દૂર રાખવા માટે મહાગઠબંધનની રચના કરવામાં આવી હતી. પરંતુ બિહારના ઉપમુખ્યમંત્રી અને લાલુના પુત્ર તેજસ્વી યાદવ પર ભ્રષ્ટાચારના આરોપો બાદ બે અઠવાડિયા પહેલાં જ નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું અને બીજા જ દિવસે ભાજપ સાથે મળીને સરકાર રચી લીધી હતી.
શરદ યાદવે જણાવ્યું કે, હું બિહારના લોકો પાસે જઇને મળીશ અને રાજ્યની પરિસ્થિતિ અંગે ચર્ચા કરીશ. મેં આ અંગે કોેઇ પૂર્વ તૈયારી નથી કરી. હું દિવસરાત અહીં રોકાઇ લોકો સાથે આ મુદ્દે વાત કરીશ.