(એજન્સી) ઈસ્લામાબાદ, તા.૧૭
ભ્રષ્ટાચારના આરોપોમાં ફસાયેલા પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફની કાયદાકીય ટીમે પનામા પેપર્સના આધારે તૈયાર કરાયેલ તપાસ રિપોર્ટને સ્વીકારવા ઈન્કાર કર્યો છે. ટીમે રિપોર્ટને પૂર્વગ્રહથી ભરાયેલ અને ગેરકાયદેસર હોવાનું જણાવ્યું હતું. રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી છે કે શરીફ અને એમના બાળકો વિરૂદ્ધ ભ્રષ્ટાચાર બાબત કેસ દાખલ કરવામાં આવે. સુપ્રીમકોર્ટે પનામા પેપર્સની સુનાવણી શરૂ કરી છે. સુપ્રીમકોર્ટે ૬ સભ્યોની જોઈન્ટ ઈન્વેસ્ટીગેશન ટીમ જેઆઈટીની રચના કરી હતી જેને શરીફ અને એમના કુટુંબીજનોની ગેરકાયદેસર મિલકતોની તપાસ કરવા જણાવ્યું હતું. જેઆઈટી રિપોર્ટ સામે શરીફના વકીલે જવાબ રજૂ કર્યો છે. જેમાં તપાસ ટીમના અવલોકનોને રદ કરી જણાવ્યું છે કે, આ રિપોર્ટ પૂર્વગ્રહથી ભરેલ છે અને મૂળ ઉદ્દેશ્યથી વિરૂદ્ધમાં તપાસ થયેલ છે. વિદેશથી મંગાવેલ દસ્તાવેજોનો પણ વિરોધ કર્યો હતો કારણ કે એ દેશના કાયદાની વિરૂદ્ધ છે. એમણે કોર્ટ સમક્ષ માગણી કરી હતી કે, રિપોર્ટનો ૧૦મો ભાગ આપવામાં આવે જેને જેઆઈટીની વિનંતીથી ખાનગી રાખવામાં આવ્યું છે. હારિસે કોર્ટ સમક્ષ રિપોર્ટ રદ કરવા માગણી કરી હતી. નાણામંત્રી ઈશાક દારે પણ જેઆઈટી રિપોર્ટ બાબતે વિરોધ કર્યો છે. આ પહેલાં વિરોધ પક્ષ તહરીક-એ-ઈન્સાફે રિપોર્ટને લાગુ કરી વડાપ્રધાનને બરતરફ કરવા માગણી કરી હતી. પક્ષે જણાવ્યું કે શરીફે રાજકીય અને નૈતિક વિશ્વાસ ગુમાવ્યો હોવાથી હોદ્દા ઉપરથી રાજીનામું આપવું જોઈએ. એ જાણે વધુમાં કહ્યું કે શરીફને ફકત ગેરલાયક ઠરાવવામાં નહીં આવે પણ જેલમાં મોકલવામાં આવે. શરીફે જેઆઈટીના રિપોર્ટને રદ કરતાં રાજીનામું આપવાનું ઈન્કાર કર્યું હતું અને જણાવ્યું કે મારી વિરૂદ્ધ કોઈ વિશેષ ગુનાઓ નોંધાયા નથી.