ન્યુ મેન્ટલ હોસ્પિટલ અમદાવાદમાં માનસિક વિકલાંગ બે દર્દીઓ પર શારીરિક અત્યાચાર ?

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.પ
માનસિક વિકલાંગ કે માનસિક અસ્થિર હોય તેવા દર્દીઓને સહાનુભૂતિ મળે તો તેઓ ઝડપથી સાજા થઈ શકે છે. સમાજમાં સહજતાથી ભળી ન શકતા આવા દર્દીઓને સારવાર માટે મેન્ટલ હોસ્પિટલમાં મૂકવામાં આવે છે પરંતુ જો મેન્ટલ હોસ્પિટલમાં જ આવા દર્દીઓની યોગ્ય સારવાર કે દેખરેખ રાખવામાં ન આવે તો તેમની સ્થિતિ વધુ કથળી શકે છે. અમદાવાદની ન્યુ મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા માનસિક વિકલાંગ બે દર્દીઓ પર શારીરિક ત્રાસ ગુજારાયો હોવાથી તેમને ગંભીર ઈજા પહોંચી હોવાનો ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે. ગોમતીપુરના મંદબુદ્ધિના બે દર્દીઓ મોહમ્મદ ઈરફાન મોહમ્મદ ઉમર શેખ (ઉ.વ.૩ર, રહે. કુંભારનો ડહેલો પાકવાડા) અને હબીબુલ્લાહ ગુલામ મોહમ્મદ શેખ ઉ.વ.૪પ (શમશેરબાગ)ની અમદાવાદની ન્યુ મેન્ટલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તાજેતરમાં મોહમ્મદ ઈરફાનને પાંસળીમાં ફ્રેક્ચર અને પગમાં ગંભીર ઈજા પહોંચી હોવાની તેમના પરિવારને જાણ કરવામાં અવતા હાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ત્યારબાદ થોડાક જ દિવસમાં બીજા દર્દી હબીબુલ્લા શેખને ડાબા હાથમાં ફ્રેક્ચર થવાથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ ત્યાં ઓપરેશન કરવામાં વિલંબ થતા હબીબુલ્લાથી પીડા સહન ન થતાં દર્દીના કુટુંબની આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવાની ફરજ પડી હતી. દર્દીની સારવાર પાછળ રૂા.૬૦ હજારનો ખર્ચ થયો છતાં ઓપરેશન નિષ્ફળ જતાં હાલ એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમનું ફરીથી ઓપરેશન કરવામાં આવશે. આ બંને દર્દીઓ ગોમતીપુરના હોવાથી તેની જાણ સ્થાનિક કાઉન્સિલર ઈકબાલ શેખને થતા તેઓ અગ્રણી ખુરશીદ શેખ અને દર્દીના સગાઓ સાથે ન્યુ મેન્ટલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ઈન્ચાર્જ ડો. જાદવને મળી હકીકતથી વાકેફ કર્યા હતા. ડો. ઈકબાલ શેખે દર્દીઓની હાલત જોઈ જણાવ્યું હતું કે બંને દર્દીઓ પર શારીરિક અત્યાચાર ગુજારાયો હોય તેવી શક્યતા છે કારણ કે હોસ્પિટલ સત્તાવાળાઓ કહે છે કે બંને દર્દીઓ પડી જવાથી ઈજાગ્રસ્ત થયા છે ત્યારે પ્રશ્ન એ થાય કે જો પડી જાય તો પાંસળી કે પગમાં ગંભીર પ્રકારના ફ્રેક્ચર કઈ રીતે થઈ શકે ? કદાચ સ્ટાફ દ્વારા પણ દર્દીઓ પર શારીરિક ત્રાસ ગુજારાયો હોવાની શક્યતા છે. જે અંગે તપાસ જરૂરી છે. દર્દીઓના સગાઓએ પણ બંને દર્દીઓ પર શારીરિક અત્યાચાર ગુજારાયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર અધિકારી કે કર્મચારી સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવા માગ કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts