(એજન્સી) નવી દિલ્હી, તા.રર
કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે કહ્યું છે કે, પુલવામા ત્રાસવાદી હુમલા અંગે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો નથી, પરંતુ ત્રણ માસ પછી રમાનારી મેચને રદ કરવા ઈચ્છે છે. માન્ચેસ્ટરમાં ૧૬ જૂનના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે વિશ્વકપની મેચ રમાનાર છે જેનો બહિષ્કાર કરવાની માંગ ઉઠવા પામી છે.
થરૂરે કહ્યું કે, ઠંડા કલેજે ૪૦ સીઆરપીએફના જવાનોની હત્યા અંગે માત્ર મેચ રદ કરવી એ શું ગંભીર જવાબ છે ? સરકાર વર્તમાન કટોકટીનો મુકાબલો કરવામાં નાકામ થતાં લોકોનું બીજે ધ્યાન દોરવા મેચનો મુદ્દો આગળ કરે છે. કારગિલ યુદ્ધ બાદ પણ ભારત-પાકિસ્તાન સામે વિશ્વકપની મેચ રમ્યું હતું. તેમણે કહ્યું કે, મેચ ન રમવી એ શરણાગતિ સ્વીકારવા અને જંગ વગર હાર સ્વીકારવા સમાન છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે બુધવારે કહ્યું હતું કે, પાકિસ્તાન સામે મેચ રમવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના વડા દેવ રિચાર્ડસને કહ્યું કે, ત્રાસવાદી કૃત્યના બનાવ સાથે આપણા વિચારો સરખા હોઈ શકે પરંતુ વિશ્વકપની મેચો તેની યોજના મુજબ આગળ વધશે.
શશિ થરૂરે કહ્યું કે, મેચમાં ભાગ નહીં લેવો તે જંગ પહેલાં હાર માની લેવા સમાન હશે.