શસ્ત્ર સોદાગર ભંડેરી સાથે વાઢરાના સંબંધો વિશે રાહુલ ગાંધી ચૂપ કેમ ??

અમદાવાદ, તા.૧૭
એક ખાનગી ચેનલના અહેવાલને ટાંકીને શસ્ત્રના સૌદાગર સંજય ભંડારી સાથે ગાંધી પરિવારના જમાઈ રોબર્ટ વાઢરાના સંબંધો વિશે રાહુલ ગાંધી કેમ ચૂપ છે ? હવે ટ્‌વીટ કેમ નથી કરતા ? જેવા સવાલો રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાહુલ ગાંધીને કર્યા છે.
ભાજપના પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શસ્ત્રના સૌદાગર સંજય ભંડારી કે જેમની તપાસ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ર૦૧૬થી કરાઈ રહી છે તેના અને ગાંધી પરિવારના જમાઈ રોબર્ટ વાઢરાના સંબંધો અંગે સિલસિલાબંધ વિગતો રજૂ કરતાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આ મુદ્દે કેમ ચૂપ છે તેવો વેધક સવાલ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પગલે પગલે ચાલતા ટ્‌વીટરમાં તીવ્રતા દાખવતાં રાહુલ ગાંધી કેમ ટ્‌વીટ કરતા નથી ? વિજય રૂપાણીએ એક ખાનગી ચેનલે કરેલા ઘટસ્ફોટને આગળ ધરીને જણાવ્યું હતું કે રોબર્ટ વાઢરા સ્વિત્ઝરલેન્ડ ગયા હતા ત્યારે તેમના વિમાનની ટિકિટ સંજય ભંડારીએ ચૂકવી હતી. તેના પુરાવાઓ રજૂ કરાયા હોવા છતાંય ગાંધી પરિવાર આ મુદ્દે ચૂપ કેમ છે ? શું રોબર્ટ વાઢરા ગાંધી પરિવારના જમાઈ હોઈ વિગતોને દબાવવામાં આવી હતી ? રોબર્ટ વાઢરા દિલ્હીથી દુબઈ, દુબઈથી ફ્રાન્સ, ફ્રાન્સથી સ્વિત્ઝરલેન્ડ ગયા હતા. જો રોબર્ટ વાઢરા અને સંજય ભંડારી વચ્ચે વ્યાપારિક સંબંધો નહોતા, એકબીજાને તેઓ ઓળખતા નહોતા તો સંજય ભંડારીએ બુક કરાવેલી ટિકિટ પર તેમને પ્રવાસ કેમ કર્યો તેની વિગતો દેશ જાણવા માગે છે. શસ્ત્રોના સોદાગર સંજય ભંડારીએ રોબર્ટ વાઢરાના લંડનમાં આવેલા બંગલાનું રિપેરિંગ અને રિનોવેશન કરવા પાછળ ર૧ કરોડનો ખર્ચ કર્યો છે. સંજય ભંડારીની સામે શસ્ત્રોના સોદાની તપાસ ચાલી રહી છે. દેશ જાણવા માગે છે કે કયા સંબંધોને આધારે આ ખર્ચ કરવામાં આવ્યો હતો તેનો જવાબ દેશ સમક્ષ રોબર્ટ વાઢરા અને રાહુલ ગાંધીએ આપવો જોઈએ. શસ્ત્રના દલાલ દ્વારા સ્વીસ બેંકમાંથી ટ્રાન્સફર થયેલી રકમ અંગે શું કહેવું છે ? તે નાણાકીય વ્યવહારોમાં દલાલીની ગંધ આવે છે, એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘણીએ પત્રકારોને જણાવ્યું હતું કે ખાનગી ચેનલે રોબર્ટ વાઢરા અને સંજય ભંડારીના કથિત ભ્રષ્ટાચારના જોડાણની ચોખવટ કરવા માટે ગુજરાત કોંગ્રેસે મૌન તોડવું જોઈએ.
દેશની સલામતી સાથે યુપીએ શાસન કરવામાં આવેલા કાળા કરતૂતો જ્યારે દેશ સમક્ષ ખુલ્લા થઈ રહ્યા છે. પુરાવાઓ સહિત ઘટસ્ફોટ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતની જનતા કોંગ્રેસ પાસે ખુલાસો માંગે છે. જો રોબર્ટ વાઢરા અને સંજય ભંડારી વચ્ચે કોઈ જ અયોગ્ય વેપારી સંબંધો ન હોય તો રાહુલ ગાંધી અને ગાંધી પરિવાર કેમ બદનક્ષીનો દાવો કરવા બહાર આવતા નથી ? ક્રિમિનલ ફરિયાદ કેમ કરતા નથી ? રોબર્ટ વાઢરા ફરિયાદ કરવા માંગે છે કે કેમ ? તેવા પ્રશ્નો કરીને કોંગ્રેસની સ્પષ્ટતા માંગી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks