શિક્ષક માટે શિક્ષણસંસ્કાર એ ચિરંજીવી કાર્ય બનવું જોઈએ : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

અમદાવાદ, તા.૧૬
શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થી પોતાના જીવનમાં આગળ વધે અને જીવનમાં આવનારા પડકારોનો મક્કમતાપૂર્વક સામનો કરી શકે તે પ્રકારના સંસ્કારોનું સિંચન કરવું તે શિક્ષકની જવાબદારી છે. આજ બાબતને લઈને ધોળકા સ્વામિનારાયણ મંદિર ખાતે ધોળકા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા શિક્ષકો માટેની શિક્ષણ સહચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે બાળક મા-બાપ પાસે ઓછું અને શિક્ષકો પાસે વધુ રહે છે. તેથી શિક્ષકોના માથે સમાજમાં વિદ્યાર્થીઓનું ઘડતર કરવાની સૌથી મોટી જવાબદારી છે. પોતાના શિક્ષક અને વિદ્યાર્થીકાળના અનુભવની વાત કરતાં તેમણે ઉપસ્થિત શિક્ષકોને જણાવ્યું હતું કે જીવનમાં કેટલાક શિક્ષકો આપણને હંમેશા યાદ રહે છે. તેની પાછળ તેમની સાથે શૈક્ષણિક સમય દરમિયાન ઉભા થયેલા યાદગાર સંસ્મરણો છે. તેમણે સમાજના બધા કાર્યોને અલ્પજીવી અને શિક્ષણના કાર્યને ચિરંજીવી લેખાવ્યું હતું. મંત્રીશ્રીએ વર્તમાન સમયને હરિફાઈનો સમય ગણાવી ગુણવત્તાયુક્ત શિક્ષણ કેવું હોવું જોઈએ. તેની પ્રેરક વાત કરી હતી અને વિદ્યાર્થીઓમાં માત્ર હુનર નહીં પરંતુ શિક્ષણની સાથે-સાથે સંસ્કાર અને વ્યવહારનું પણ સિંચન કરવાની વાત કરી હતી. આ કાર્યક્રમમાં જાણીતા કટાર લેખક જય વસાવડાએ શિક્ષકો દ્વારા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિને કઈ રીતે રચનાત્મક કાર્ય થકી બહાર લાવી શકાય શકે તે અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, મહેશભાઈ મહેતા, શિક્ષણ વિભાગના વિવિધ અધિકારીઓ, કર્મચારીઓ, ધોળકા તાલુકાના શિક્ષકો, સ્વામિનારાયણ મંદિર ધોળકાના મહંતો તેમજ સ્થાનિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks