અમદાવાદ, તા.૧૩
જાપાનના વડાપ્રધાન શિન્જો આબે તેમની પત્ની અકી આબે સાથે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. એરપોર્ટથી રોડ શો યોજીને ગાંધીઆશ્રમ પહોંચ્યા હતા. સાંજે ૪ઃ૩૬ વાગ્યે ગાંધી આશ્રમ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિન્જો આબેએ ૪ઃપ૧એ ગાંધી આશ્રમથી વિદાય લીધી હતી. ગાંધીઆશ્રમની મુલાકાત બાદ તેની વિઝીટર બુકમાં પોતાની માતૃભાષામાં શિન્જો આબે એ ટૂંકો સંદેશ લખ્યો હતો કે ‘શિન્જો આબે તરફથી પ્રેમ અને શાંતિનો સંદેશ’
ગુજરાતના બે દિવસના મહેમાન બનેલા જાપાનીઝ પ્રધાનમંત્રી શિન્જો આબે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાબરમતી નદી કિનારે આવેલા ગાંધીઆશ્રમની મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી સ્મરણાંજલિ આપી હતી. બંને મહાનુભાવો સાથે અકી આબે પણ જોડાયા હતા.
અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી લોકાભિવાદન ઝીલી પ્રધાનમંત્રી મોદી તથા શિન્જો આબે સીધા ગાંધી આશ્રમમાં પહોંચ્યા હતા. અહીં તેમણે સર્વપ્રથમ હૃદયકુંજની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી મોદી, આબે દંપતિને હૃદયકુંજ સુધી દોરી ગયા હતા. જ્યાં તેમણે મહાત્મા ગાંધીના ચિત્રને સૂતરની આંટી ચઢાવી હતી. તે પછી ગાંધીજી જે રૂમમાં રેંટિયો કાંતતા હતા, તેની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી મોદીએ ત્યાં રેંટિયો તથા ખાદી વિશે આબેને માહિતગાર કર્યા હતા. ભારતીય પરંપરાગત વસ્ત્ર કોટી અને ઝભ્ભામાં સજ્જ શિન્જો આબેને મોદી ગાંધીજીની પ્રતિમા તરફ દોરી ગયા હતા. જ્યાં મહાનુભાવોએ પ્રતિમાને પુષ્પાંજલી આપી હતી.
તે બાદ આ મહાનુભાવોએ સાબરમતી રિવરફ્રન્ટની પણ મુલાકાત લીધી હતી. અહીં રાખવામાં આવેલા અને અમદાવાદની ઓળખ સમાન કાષ્ટના ચબૂતરા પ્રત્યે આબે દંપતિ આકર્ષિત થયા હતા અને કાષ્ટના ચબૂતરાની રસપૂર્વક માહિતી મેળવી હતી. અહીં તેમણે થોડી મિનિટો વિરામ પણ કર્યો હતો. ગાંધી આશ્રમ દ્વારા રાખવામાં આવેલી નોંધ પોથીમાં જાપાનના વડાપ્રધાન આબેએ પોતાની માતૃભાષામાં ટૂંકો સંદેશ લખ્યો હતો.
ગાંધી આશ્રમના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈએ આ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. જ્યારે બાળાઓ દ્વારા આશ્રમ ભજનાવલીના ભજનો પ્રસ્તુત કર્યા હતા. આમ, ગાંધી આશ્રમની મુલાકાત વેળા વડાપ્રધાન મોદીએ ગાઈડની ભૂમિકા ભજવીને જાપાનના વડાપ્રધાન શિન્જો આબે અને અકી આબેને આશ્રમની માહિતી આપી હતી.