(એજન્સી) મુંબઇ, તા. ૧૯
સમગ્ર દેશમાં તાજેતરમાં સર્જાયેલી લિંચિંગની ઘટનાઓની ટીકા કરતા શિવસેનાએ જણાવ્યું કે આવી હત્યાઓ સામે કાયદો હોવો જોઇએ. શંકાના નામે હિંસક ટોળા દ્વારા નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી રહી છે. શિવસેનાના મુખપત્ર સામનામાં પ્રસિદ્ધ કરવામાં આવેલા તંત્રીલેખમાં પક્ષે જણાવ્યું કે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, બિહાર અને ત્રિપુરા સહિત સમગ્ર દેશમાં હિંસક ટોળા દ્વારા નિર્દોષ લોકોને રહેંસી નાખવાની ઘટનાઓ ચાલુ છે. સામનામાં એવું પણ લખ્યું છે કે ગૌહત્યા કે બાળકો ઉઠાવી જવાની શંકાને કારણે જ લોકો હિંસક બની જતા નથી પરંતુ લોકોના હિંસક બનવા પાછળ અન્ય કારણો પણ છે. સુપ્રીમકોર્ટે મંગળવારે હિંસક ટોળા દ્વારા લોકોને મારી નાખવાની ઘટનાઓ અટકાવવા માટે સંસદ ખાસ કાયદો બનાવે એવું કહ્યું હતું. શિવસેનાએ જણાવ્યું કે સુપ્રીમકોર્ટના આદેશનું પાલન કરીને સરકાર કાયદો ઘડતી વખતે આવી બધી ઘટનાઓ ધ્યાનમાં લઇ શકે છે. જોકે, કાયદો ઘડવાથી અફવાઓ અને ટોળા દ્વારા રહેંસીનાખવાની ઘટનાઓ બંધ થવાની નથી. ટોળાની માનસિકતા ધરાવતા લોકો પાસે નિર્દોષ લોકોની હત્યા કરવાનું લાઇસન્સ નથી.