National

સરકાર લોકો દ્વારા ઉથલાવાય છે, માઓવાદીઓ દ્વારા નહીં : શિવસેના

(એજન્સી) મુંબઈ, તા.૪
ધરપકડ કરાયેલા સામાજિક કાર્યકરો માઓવાદીઓના સરકાર ઉથલાવવાના કાવત્રામાં સામેલ હતા તેવા ભાજપના દાવાની શિવસેનાએ ટીકા કરી હતી. શિવસેનાએ કહ્યું કે સરકારે આવા મૂર્ખામીભર્યા નિવેદનો કરવાનું બંધ કરવું જોઈએ. તમને કોણ ઉથલાવી શકે ? મનમોહન સરકાર માઓવાદીઓએ ઉથલાવી ન હતી. પરંતુ લોકોએ ઉથલાવી હતી. હાલની સરકાર લોકતાંત્રિક માર્ગે તૂટી પડશે. સામનામાં તંત્રીલેખમાં આ વાત કરી છે. તંત્રીલેખમાં વધુમાં જણાવાયું છે કે માઓવાદીઓ મોદી પર હુમલાની યોજના બનાવી રહ્યા છે તેવો પોલીસે દાવો કર્યો છે પરંતુ વડાપ્રધાન મોદીની સલામતી એટલી ચુસ્ત છે કે પક્ષી પણ તેમની આસપાસ ફરકી શકતું નથી. શિવસેનાએ કહ્યું કે, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી નિર્ભય હતા અને તેથી તેમણે તેની કિંમત ચૂકવવી પડી. માઓવાદીઓ પાસે સત્તા ઉથલાવવાની તાકાત હોત તો તેઓ બંગાળ, ત્રિપુરા અને મણિપુરમાં સત્તા પર નિયંત્રણ ગુમાવતા નહીં. મોદીએ તેમની જબાન બંધ કરી દીધી છે. ઓગસ્ટ-ર૮ના રોજ પોલીસે પાંચ માઓવાદી સમર્થકોને મોદીની હત્યાના કાવત્રા બદલ પકડ્યા હતા. તેઓ ભીમા-કોરેગાંવ હિંસા સાથે જોડાયેલા હોવાનો પોલીસનો દાવો છે.