નવી દિલ્હી, તા. ૧૪
ગુજરાતમાં વડોદરા અને અમદાવાદની મહાપાલિકાઓમાં આશરે ૧૩૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટોને મંજૂરી આપી દીધી છે. ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી નહોતી. આનાથી અહીં અત્યારસુધી ચૂંટણી આચાર સંહિતા લાગુ નથી થઇ. જ્યારે ચૂંટણી પંચે પોતે જ સ્પષ્ટતા કી દીધી હતી કે, ગુજરાતમાં ચૂંટણી ૧૮મી ડિસેમ્બર પહેલા જ એટલે કે, હિમાચલ પ્રદેશના પરિણામ અગાઉ થઇ જશે. ચૂંટણી પંચના આ નિર્ણયથી ચારે તરફથી સવાલો ઉઠવા પામ્યા છે. પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસવાય કુરેશીએ પણ શંકા દર્શાવી હતી. અને હવે ગુજરાતની સરકારી મશીનરી જે કરી રહી છે તેનાથી શંકાને પાક્કો આધાર મળતો દેખાઇ રહ્યો છે. ટોચની અંગ્રેજી સમાચાર એજન્સી અનુસાર ભાજપ શાસિત વડોદરા નગર નિગમની સ્થાયી સમિતિની શુક્રવારે બેઠક થઇ હતી. આ બેઠકમાં રવિવારે થનારા મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યક્રમને અંતિમ રૂપ આપવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવે છે કે, આ કાર્યક્રમમાં રૂપાણી આશરે ૭૮૦ કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું ઉદ્ઘાટન કરી શકે છે. આ ઉપરાંત વડોદરામાં શ્રી શ્રી રવિશંકરનું કાર્યક્રમ થઇ રહ્યું છે. સ્થાયી સમિતિની બેઠકમાં આ કાર્યક્રમ માટે પણ મફત લોજિસ્ટિકલ સેવાઓ ઉપલબ્ધ કરાવવાને મંજૂરી આપી દીધી છે. ભાજપના જ શાસનવાળા અમદાવાદમાં સ્થાયી સમિતિની ગુરૂવારે થયેલી બેઠક નિર્ધારિત સમય કરતા દોઢ કલાક વહેલી શરૂ થઇ ગઇ હતી અને ફક્ત ૧૦ મિનિટની અંદર ૫૩૦ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોને મંજૂરી આપી દીધી હતી. સૂત્રો અનુસાર આ બેઠક સાંજે ૪.૩૦ કલાકે શરૂ થવાની હતી પરંતુ તેને ૩.૦૦ કલાકે જ શરૂ કરી દેવામાં આવી હતી. આ ઘટના ત્યારની છે જ્યારે એવું સાંભળવામાં આવતું હતું કે, ચૂંટણી પંચ થોડીવારમાં જ હિમાચલ પ્રદેશ સાથે ગુજરાતની ચૂંટણીઓની પણ તારીખોની જાહેરાત કરનાર છે. ચૂંટણી પંચે વર્ષ ૧૯૯૮ અને ૨૦૦૨માં પણ આવું જ કર્યું હતું. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ સૂરત પહોંચ્યા હતા અને સભાને સંબોધિત કરી હતી બીજી તરફ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથે વલસાડ, નવસારી અને સૂરતમાં ગૌરવ યાત્રાને સંબોધિત કરી હતી. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ પણ અમદાવાદમા મહિલા ટાઉન હોલને સંબોધિત કરશે જ્યારે વડાપ્રધાન મોદી પણ આજ દિવસે ગાંધીનગરમાં ગુજરાત ગૌરવ સંમેલનને સંબોધિત કરશે. બીજા એક અહેવાલમાં એવું પણ જાણવા મળ્યું છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો ૧૮મી ડિસેમ્બરના રોજ જાહેર થવાની સંભાવના નથી. ચૂંટણી પંચના અધિકારીએ જણાવ્યું હતું કે, બંને રાજ્યોના પરિણામો એકીસાથે જાહેર કરવાની જરૂર નથી. વિચારણા એવી છે કે, હિમાચલના પરિણામો પહેલા ગુજરાતની ચૂંટણી કરાવી લેવામાં આવે.