(એજન્સી) મુંબઈ, તા.ર૮
બિહારમાં જેડીયુ અને ભાજપના ગઠબંધનને ‘ઘરવાપસી’નું નામ આપવામાં આવ્યું જેના પર શિવસેનાએ આ બન્ને રાજકીય પક્ષોની ઠેકડી ઉડાડી છે. શિવસેનાએ પાછલા વર્ષોમાં બિહારના સીએમ નીતિશકુમાર અને દેશના પીએમ મોદી વચ્ચે થયેલી નિવેદનબાજીને યાદ અપાવતા કહ્યું કે આજે જે જેડીયુ અને ભાજપ ફૂલ્યા સમાઈ નથી રહ્યા. તેમણે પાછલા બે વર્ષોમાં એકબીજાને નીચું દેખાડવામાં કોઈ કસર છોડી નથી. આજે પીએમ મોદી અને સીએમ નીતિશકુમાર એકબીજાના ગુણ ગાઈ રહ્યા છે તો પછી પાછલા વર્ષોમાં એકબીજા માટે ઓકેલા ઝેર અંગે સ્પષ્ટતા કેવી રીતે આપશે. એક સમય હતો જ્યારે ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે, જ્યારે નીતિશકુમાર જીતશે તો પાકિસ્તાન તેની ઉજવણી કરશે તો, તેમના આ ગઠબંધનથી એવું લાગે છે કે, શું અત્યારે પાકિસ્તાન ઉજવણી કરી રહ્યું છે ? તેમણે હવે પાકિસ્તાનને ખુશ કરી દીધું છે. નીતિશે પણ ભાજપ પર આરોપ લગાવવામાં કોઈ કમી રાખી નથી. તેમણે પીએમ મોદી પર ધર્મનિરપેક્ષ ન હોવા અને ભાજપ પર સંઘની વિચારધારા અનુસાર દેશ ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. નીતિશે ત્યારે તેમ પણ કહ્યું હતું કે, પીએમ મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે મુસ્લિમોની હત્યા કરી હતી.