શું શિવસેના ભાજપ ગઠબંધનનો અંત ? રાઉતે કહ્યું, જલદી નિર્ણય, મોંઘવારીનો દોષ અમારે માથે નહીં લઈએ

(એજન્સી) મુંબઈ, તા. ૧૮
મહારાષ્ટ્રની શાસક ગઠબંધન શિવસેનાએ તેના સાથી ભાજપ પર ઉગ્ર હુમલો કરતાં કહ્યું કે ભાજપ સરકાર મોંઘવારી માટે જવાબદાર છે અને ખેડૂતોની સમસ્યાઓને હલ કરવામાં આવી નથી. પાર્ટી નેતા સંજય રાઉતે કહ્યું કે અભૂતપૂર્વ મોંઘવારી, ખેડૂતોના મુદ્દાઓ વણઉકેલ્યા રહ્યાં. અમે સરકારમાં રહીશું કે નહીં તેનો નિર્ણય ટૂંક સમયમાં કરવામા આવશે. તેમણે કહ્યું કે આ મુદ્દે જલદી નિર્ણય લઈશું, મોંઘવારીનો દોષ અમારે માથે નહીં લઈએ. રાજ્યસભા સાંસદ રાઉતે એનડીએ સરકારના ભવિષ્યના સંબંધો પર બોલતાં કહ્યું કે કેન્દ્ર સરકારમાં અમે સામેલ રહીશું કે સરકાર સાથેનો નાતો તોડી નાખશું તેનો નિર્ણય ટૂંક સમયમાં પાર્ટીન બેઠકમાં લેવામા આવશે. શિવસેનાના મુખપત્ર સામનામાં એવું લખવામાં આવ્યું કે મોદી સરકારના નવા મંત્રી પેટ્રોલ-ડીઝલના ભાવવધારાને વ્યાજબી ઠેરવી રહ્યાં છે કારણ કે તેમને ક્યાં તેમના ખિસ્સામાંથી પૈસા કાઢવા પડે છે. શિવસેનાએ ભાજપને યાદ દેવડાવતાં કહ્યું કે, યાદ છે ને, સુષમા સ્વરાજ, રાજનાથસિંહ અને સ્મૃતિ ઈરાની જેવા મંત્રીઓએ મોંઘવારી વિરૂદ્ધ મોરચો કાઢ્યો હતો. પેટ્રોલ-ડીઝલના ભાવવધારાને મુદ્દે તેઓ સડક પર ઉતર્યાં હતા. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર અને દેશના બીજા રાજ્યોમાં સેંકડો ખેડૂતો ઈંધણના ભાવવધારાને કારણે આપઘાત કરી રહ્યાં છે. વડાપ્રધાન મોદી દ્વારા ઉદ્ધાટન કરવામાં આવેલી બુલેટ ટ્રેનની આકરી ટીકા કરતાં શિવસેનાએ કહ્યું કે જો બુલેટ ટ્રેન માટેના પૈસા મોંઘવારીને કાબૂ કરવા માટે ખર્ચવામાં આવ્યાં હોત તો સારૂ થાત. પરંતુ જે લોકો ચમગાગીરી કરીને કહી રહ્યાં છે કે પેટ્રોલ-ડીઝલ ખરીદનારના ભૂખે મરતા નથી તેઓ દરરોજ અચ્છે દીનની હત્યા કરી રહ્યાં છે. સામનામાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો કે દેશમાં મોંઘવારી અને બેરોજગારીનો રાક્ષસ બેકાબૂ બની રહ્યો છે અને તેથી આવે ટાણે જો કોઈ બૂલેટ ટ્રેનની વાત કરે તો તેને માનસિક ચકાસણી માટે હોસ્પિટલ લઈ જવો જોઈએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts