(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૩
સુલતાન અહમદશાહ બાદશાહે વસાવેલા ઐતિહાસિક અહમદઆબાદ શહેરમાં બુધવારે એક ઈતિહાસ સર્જાયો હતો. ઐતિહાસિક શહેરની વિશ્વવિખ્યાત ઐતિહાસિક મસ્જિદ કે જે સિદી સઈદની મસ્જિદ તરીકે ઓળખાય છે, એ મસ્જિદની વિશ્વના બે મહાન દેશોના વડાઓએ એક સાથે મુલાકાત લઈ વિશ્વભરનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આશ્ચર્યની વાત તો એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ ગાઈડ બન્યા હતા અને જાપાનના વડાપ્રધાન અને તેમના પત્નીને આ ઐતિહાસિક મસ્જિદનો ઈતિહાસ વર્ણવ્યો હતો.
શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી ઐતિહાસિક અને ૪૪૪ વર્ષ પ્રાચીન એવી સિદી સઈદની જાળીની કોતરણી અને તેનો ઇતિહાસ જોઇ આજે જાપાનના વડાપ્રધાન શિન્જો અબે અને તેમના પત્ની અકી અબે ફીદા જ નહીં અભિભૂત થયા હતા. વડાપ્રધાન મોદીએ તેમને આ ઇતિહાસની ગૌરવગાથા કહી સંભળાવી હતી. સિદી સઈદની જાળીની અંદરના હિસ્સા સુધી શિન્જો અને તેમના પત્ની સાથે માત્ર વડાપ્રધાન મોદી જ સાથે રહ્યા હતા. મસ્જિદની જાળીની કલાત્મક કૃતિઓ જોઈ અબે દંપતિ એટલા અભિભૂત થયા હતા કે અકી અબે તો મસ્જિદની બહાર નિકળ્યા બાદ પણ પાછળ વળી વળીને મસ્જિદને નિહાળતા નજરે પડ્યા હતા.
મુખ્યમંત્રી તરીકે મુસ્લિમ ટોપી ન પહેરનાર પીએમ મોદી મસ્જિદમાં આદરપૂર્વક ગયા
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મુસ્લિમ ટોપી ન પહેરનાર નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદ મસ્જિદની મુલકાત લેવાની ફરજ પડી હતી. કહેવાય છે કે જાપાનના વડાપ્રધાન શિન્જો અબે અને તેમના પત્ની અકી અબેએ સિદી સઈદની મસ્જિદની ખ્યાતિ સંભાળી મુલાકાત લેવાની અદમ્ય ઈચ્છા વ્યક્ત કરી હતી. જે તેમણે પરિપૂર્ણ કરી હતી. બુધવારે જાપાનના વડાપ્રધાન શિન્જો અબે અને તેમના પત્ની અકી અબેને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિદી સઈદની મસ્જિદની અંદર ઊઘાડા પગે દાખલ થયા જે એક ઈતિહાસ બની ગયો. કારણ કે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી દેશની એક પણ મસ્જિદની મુલાકાતે ગયા નથી ત્યારે બુધવારની સિદી સઈદની મસ્જિદની મુલાકાત દરમિયાન લોકોએ કોમેન્ટ કરી હતી કે મુખ્યમંત્રી હતા ત્યારે મુસ્લિમ ટોપી ન પહેરી ચર્ચા સર્જનાર નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદ મસ્જિદમાં પ્રવેશ કર્યો હતો. જે ઘટના ચર્ચાનો વિષય બની હતી.