(એજન્સી) રામગઢ, તા.ર૮
ઝારખંડના ચર્ચાસ્પદ અલીમુદ્દીન અન્સારી હત્યાકાંડના દોષિત સિકંદર રામનું શુક્રવારે કરંટ લાગવાથી મૃત્યુ થયું હતું. અહેવાલ પ્રમાણે સિકંદર રામ શુક્રવારે લગભગ ૧૧ વાગ્યે બજાર તરફ જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. રામગઢ સદર પોલીસ સ્ટેશનના અધિકારી રાજેશકુમારે જણાવ્યું હતું કે, થાંભલા પરથી તૂટીને પડેલા વીજળીના એક જીવંત તાર સાથે ચોંટી જવાથી ઘટનાસ્થળે જ સિકંદરનું મૃત્યુ થયું હતું. સિકંદર રામનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. ગૌમાંસની શંકાથી અલીમુદ્દીન અન્સારી નામના નિર્દોષ યુવકની હત્યા કરવામાં સિકંદર રામ પણ સંડોવાયેલો હતો. આ હત્યાના બધા જ ૧૧ આરોપીઓને રામગઢની ફાસ્ટટ્રેક કોર્ટે આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. ગયા મહિને ર૯ જૂનના દિવસે ઝારખંડ હાઈકોર્ટે ૧૧ દોષિતોમાંથી ૮ દોષિતોને જામીન આપ્યા હતા જેમાં સિકંદર રામ પણ હતો.