કેરળમાં શસ્ત્ર ટ્રેનિંગ કેમ્પના આયોજન બદલ સિમીના ૧૮ સભ્યોને ૭ વર્ષની સખત કારાવાસની સજા

(એજન્સી) કોચી, તા. ૧૫
કેરળના વાગામોનમાં થંગલપારા ખાતે ડિસેમ્બર ૨૦૦૭માં શસ્ત્રોની ટ્રેનિંગ આપવા માટે કેમ્પનું આયોજન કરવા બદલ સ્ટુડન્ટ્‌સ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા (સિમી)ના સભ્યો સામે કેરળ પોલીસ દ્વારા કેસ નોંધવામાં આવ્યો હતો. ખાસ એનઆઇએ કોર્ટ દ્વારા સિમીના નેતા સફદર નાગોરી સહિત ૧૮ સભ્યોને પ્રતિબંધિત સંગઠન માટે શસ્ત્રોની ટ્રેનિંગ આપવા માટે કેમ્પનું આયોજન કરવા બદલ દોષિત ઠરાવવામાં આવ્યા બાદ તેમને સાત વર્ષની સખત કારાવાસની સજા કરવામાં આવી છે. કોર્ટે સોમવારે આ કેસમાં અન્ય ૧૭ ઓરોપીઓને દોષમુક્ત જાહેર કર્યા હતા. ખાસ એનઆઇએ કોર્ટના જજ કૌસર ઇડપ્પાગઠે ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ કાયદા (યુએપીએ), એક્સપ્લોસિવ્સ સબ્સટન્સ એક્ટ (ઇએસએ)ની વિભિન્ન કલમો અને ભારતીય ફોજદારી કાયદાની કલમ ૧૨૦-બી (ગુનાહિત કાવતરૂં) હેઠળ પણ અલગ-અલગ સજા કરવામાં આવી છે. સિમીના સભ્યોને કલમ ૧૦ હેઠળ એક વર્ષની સખત કારાવાસની સજા, યુએપીએની કલમ ૩૮ હેઠળ પાંચ વર્ષ, ઇએસએની કલમ ૪ હેઠળ સાત વર્ષની સખત કારાવાસની સજા અને આઇપીસીની કલમ ૧૨૦-બી હેઠળ સાત વર્ષની સજા કરવામાં આવી છે. બધી જ સજાઓ એક સાથે ચાલશે. બચાવ પક્ષના વકીલે જણાવ્યું છે કે સાત વર્ષથી પણ વધુ સમયથી જ્યુડિશીયલ કસ્ટડીમાં રહેલા ૧૪ દોષિતોને કોર્ટ દ્વારા લાભ આપવામાં આવશે. એનઆઇએ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે ગુપ્ત ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લેનારાઓને શારીરિક ટ્રેનિંગ, ફાયરિંગ પ્રેક્ટિસ, વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ કરવાની ટ્રેનિંગ, મોટરસાઇકલ રેસિંગ, રોપ ક્લાઇમ્બિંગની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ ઉપરાંત ભારતમાં જેહાદના વર્ગો પણ ચલાવવામાં આવ્યા હતા. નાગોરી ઉપરાંત અન્ય દોષિતો સામે એનઆઇએ દ્વારા આઇપીસીની કલમ ૧૨૨ (ભારત સરકાર સામે યુદ્ધ લડવાના ઇરાદા સાથે શસ્ત્રો એકત્રિત કરવા), કલમ ૧૨૪-એ (સરકાર પ્રત્યે અસંતોષ ફેલાવવાના પ્રયાસો કરવા), કલમ ૧૫૩-એ (સમુદાયો વચ્ચે દુશ્મની ફેલાવવા) હેઠળના મુકાયેલા આરોપો ફગાવી દીધા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks