(એજન્સી) તા.૩૦
તાજેતરમાં જેના વીડિયો ફૂટેજ કેટલીક સરકાર તરફી ટીવી ચેનલોને લીક કરવામાં આવ્યા હતા એ ૨૮-૨૯ સપ્ટે. ૨૦૧૬ના રોજ હાથ ધરવામાં આવેલ સર્જીકલ સ્ટ્રાઇકનો હેતુ શું હતો ? તેનો સીધો જવાબ એ છે કે સર્જીકલ સ્ટ્રાઇકનો હેતુ ૧૮ સપ્ટે.૧૯ જવાનોનો ભોગ લેનાર ઊરી બ્રિગેડના હુમલાનો બદલો લેવાનો હતો.
જો કે વર્તમાન લશ્કરી તર્ક બદલા જેવા ધ્યેયને સિદ્ધ કરવા માટે નથી. ધ્યેય હતો સજા કરીને પાકિસ્તાનને આવા હુમલા કરતા અટકાવવાનું. કમનસીબે રેકોર્ડ બતાવે છે કે સર્જીકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન માત્ર બે મહિના જ હુમલા કરતા અટકી ગયું હતું. સર્જીકલ સ્ટ્રાઇકના બે મહિના બાદ એટલે કે નવે.૨૦૧૬માં પાકિસ્તાનીઓ ફરી ત્રાટક્યા હતા. આ વખતે હુમલો વધુ ગંભીર હતો. જેમાં પૂંછ, રાજૌરી અને જમ્મુ ક્ષેત્રની સંભાળ રાખતા નાગરોટાના સિક્સ્ટીન્થ કોર્પ્સના વડા મથકને નિશાન બનાવાયું હતું જેમાં બે મેજર સહિત સાત લશ્કરીકર્મીઓ શહીદ થયા હતા.
ત્યાર બાદ એપ્રિલ ૨૦૧૭માં પણ લશ્કરે તોઇબાના આતંકીઓએ કૂપવાડાના પાંઝ ગામમાં ફીદાઇ હુમલો કર્યો હતો જેમાં એક અધિકરી સહિત ત્રણ ભારતીય સૈનિકોના મૃત્યુ થયા હતા. ત્યારબાદ સતત આતંકી હુમલાઓ ચાલુ જ રહ્યા છે. આમ એક વાત સ્પષ્ટ છે કે પાકિસ્તાનીઓ સર્જીકલ સ્ટ્રાઇકને કારણે અટકી ગયા નથી. આમ કહેવાતા સર્જીકલ સ્ટ્રાઇકનો વિશાળ લશ્કરી હેતુ સિદ્ધ થયો નથી.
તેના બદલે સર્જીકલ સ્ટ્રાઇકનો ભાજપે ઉ.પ્ર.ની ચૂંટણીમાં ઉપયોગ કર્યો હતો. સર્જીકલ સ્ટ્રાઇકને બિરદાવતા પોસ્ટરો ઉ.પ્ર.માં ઠેર ઠેર ચૂંટણી પ્રચાર દરમિયાન લગાવવામાં આવ્યા હતા. આ બાબત એક વાતને સ્પષ્ટપણે સમર્થન આપે છે કે સર્જીકલ સ્ટ્રાઇકનો સંપૂર્ણતઃ રાજકીય હેતુ હતો અને ત્યારબાદ હવે તેના વીડિયોનો પણ આ હેતુ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સર્જીકલ સ્ટ્રાઇકના બે વર્ષ બાદ વીડિયો લીક કરવામાં આવ્યો છે તેનો મકસદ આગામી સામાન્ય ચૂંટણી હોવાની શંકા છે.