આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ‘ગુજરાત ટુડે’ના આંગણે નવતર પહેલ રૂપે યોજાઈ મહિલા વિચારગોષ્ઠિ
‘ગુજરાત ટુડે’ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે વિચારગોષ્ઠિ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં ડાબેથી લોકહિત પ્રકાશન સાર્વ. ટ્રસ્ટના ટ્રસ્ટી, જો. સેક્રે. મુસ્તાક પટેેલ, એડવોકેટ રસીદા પટેલ, પ્રિન્સિપલ સેશન્સ કોર્ટના જજ રિઝવાનાબહેન ઘોઘારી, ‘અમવા’ સંસ્થાના પ્રમુખ ડો. મહેરૂન્નિશા દેસાઈ, ગુજરાત ટુડે દૈનિકના તંત્રી, ટ્રસ્ટના સેક્રેટરી અઝીઝ ટંકારવી અને ટ્રસ્ટના ઉપપ્રમુખ એડવોકેટ એમ.એમ. તિરમીઝી નજરે પડે છે. જ્યારે નીચેની તસવીરમાં વિચારગોષ્ઠિમાં ઉત્સાહભેર ભાગ લેનાર વિવિધ ક્ષેત્રોની મહિલા અગ્રણીઓ નજરે પડે છે.
(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧ર
સમાજ ઉપયોગી કાર્યોમાં મદદરૂપ બનવા માટે ‘ગુજરાત ટુડે’ સદા અગ્રેસર રહ્યું છે. તેમાયે શિક્ષણ ક્ષેત્ર તથા સામાજિક ચેતના જગાવવા માટે ‘ગુજરાત ટુડે’ દૈનિક તથા તેને પ્રકાશિત કરતાં લોકહિત પ્રકાશન સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા અનેક કાર્યક્રમો તથા સેમિનારો યોજી સમાજને ઢંઢોળવાનું કામ કર્યું છે ત્યારે આજે ‘ગુજરાત ટુડે’ કેમ્પસના હોલમાં એક નવતર પહેલ તરીકે મહિલાઓ માટેની વિચારગોષ્ઠિનું આયોજન કર્યું હતું. મહિલાઓના હક્ક-અધિકાર અને સુરક્ષા સંદર્ભે તજજ્ઞ વક્તાઓએ મનનીય પ્રવચનો રજૂ કર્યા હતા. ‘ગુજરાત ટુડે’ કેમ્પસમાં આજની આ વિચારગોષ્ઠિમાં શહેરની રાજકીય અને સામાજિક મહિલા કાર્યકરો, વકીલો, શિક્ષિકાઓ તથા કર્મશીલ તથા નાની-મોટી સંસ્થાઓ સાથે સંકળાયેલી બહેનો મોટી સંખ્યામાં હાજર રહી હતી. આજના આ શાનદાર કાર્યક્રમમાં બોલતાં જજ રિઝવાનાબહેન ઘોઘારીએ જણાવ્યું કે આજે મીડિયા પ્રોફેશનલ થયું છે ત્યારે દરેક અખબારો તથા ઈલેક્ટ્રોનિક મીડિયામાં હિંસા તથા અશ્લિલતાની ભરમાર જોવા મળે છે. જે વાંચતા કે જોતાં આપણા મનમાં થાય કે સમાજ તથા દેશમાં આ શું ચાલી રહ્યું છે ? આપણું મન તેનાથી ઉગ્ર બની જાય છે. તેવા દોરમાં ‘ગુજરાત ટુડે’ એક સંસ્કારી અખબાર તરીકે પ્રસ્થાપિત થયું છે. જે ખરેખર કાબિલે દાદ કામ છે. તેમાં હકારાત્મક સમાચારો તથા પ્રજાઉપયોગી સમાચારોને વધુ પ્રાધાન્ય અપાય છે. જે તંદુરસ્ત સમાજના નિર્માણમાં ઉપયોગી સાબિત થશે. આજથી ૩૦ વર્ષ પહેલા વટવાના બુખારી પરિવારમાં અમો ત્રણ બહેનોને પુત્ર સમાન ગણી મારા પિતા વિલાયતહુસેન બુખારી તથા માતાએ ભણાવી, અમને સારા કપડાં નહીં પરંતુ સારી પુસ્તક અપાવવાનો દૃષ્ટિકોણ ધરાવતા મારા પિતાની મહેનત અને માર્ગદર્શનના કારણે આજે હું ડિસ્ટ્રીક્ટ જજના પદે પહોંચી શકી છું. આમ મારા જાત અનુભવના આધારે આપ સૌ બહેનોને કહું છું કે તમે કપરાં સંજોગોમાં પણ હિંમત હારશો નહીં. તમારી મંઝિલ-લક્ષ સુધી પહોંચવાના પ્રયત્નો અવિરત ચાલુ રાખજો. જીવનમાં નાશીપાસ થયા વિના તમારા ધ્યેયને હાંસલ કરવા નિરંતર પ્રયાસ કરશો. ચોક્કસ તમે તે ધ્યેય હાંસલ કરી શકશો. આ સાથે તેમણે મલાલા યુસુફ જઈનો દાખલો આપ્યો હતો.
મહિલા સુરક્ષા અંગે આજની વિચારગોષ્ઠિમાં બોલતા અતિથિ વિશેષ અમવાના કર્મશીલ એવા ડો.પ્રો.મહેરૂન્નીશાબેન દેસાઈએ જણાવ્યું કે દરેક કુટુંબ ઈચ્છે છે કે મારી દીકરી કે વહુ બહાર જાય પરંતુ તેઓેને ડર હોય છે કે તેની સુરક્ષાનું શું ? આ અંગે વ્યાપક પરિપેક્ષમાં સૌએ જોવું પડશે કે આપણે ત્યાં મહિલા સુરક્ષિત કેમ નથી ? તેનું કારણ શું અને તેનો ઉકેલ શું છે ? સમાજની પ૦ ટકા વસ્તીની અવગણના કરીએ તો કેવી રીતે સમાજનો વિકાસ કરી શકીશું ? સમાજના વિકાસ માટે મહિલાઓની શક્તિનો ઉપયોગ નહીં કરીએ તો સમાજનો પણ વિકાસ કેવી રીતે કરી શકીશું ? આ વિકાસપ્રક્રિયા દરમિયાન કુટુંબ તથા સમાજે મહિલાઓના શોષણ મુદ્દે ચોકન્ના રહેવું પડશે. દરેક ફિલ્ડમાં મહિલાઓએ સજ્જ થવું પડશે. દહેજના દુષણ ઉપર પ્રહાર કરતાં અમવાના કર્મશીલ મહેરૂન્નીશાબહેને જણાવ્યું કે દહેજનું દૂષણ ઈસ્લામમાં નથી પરંતુ મુસ્લિમ સમાજમાં છે. આની સામે આપણે સૌ બહેનોએ સજાગ રહેવું પડશે. આજની આ નવતર પહેલનાં ભાગરૂપે મહિલાઓની સુરક્ષા મુદ્દે યોજાયેલ વિચારગોષ્ઠિમાં અમદાવાદ શહેરની મહિલા કોર્પોરેટરો, વકીલો, શિક્ષિકાઓ તથા નાની-મોટી સંસ્થાઓની કાર્યકર બહેનો તથા કર્મશીલ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી હતી. આ તકે અઝરા કાદરીએ જણાવ્યું હતું કે, રાજકારણ ફક્ત ગટર અને નળ સુધી સીમિત નથી એમાં પણ સમાજ ઉપયોગી ઘણા કામો કરી શકાય છે અને ‘ગુજરાત ટુડે’ની મદદની અપીલથી કેન્સર પીડિતને જે સહાય મળી તે બદલ ટ્રસ્ટનો આભાર માન્યો. ખેરૂન્નીશાબેને કહ્યું હતું કે, પહેલી લડાઈ ઘરથી પછી સમાજથી કરવી પડે છે, ઘરમાં સમાનતા લાવો. કાર્યક્રમ પ્રશંસાપાત્ર છે. કાયદો જાણો, જાગૃત બનો ડરો મત આગે બઢો. મહિલાઓને અધિકારો તો મળ્યા છે પણ એ અધિકાર માંગવાનો અધિકાર નથી તેવું બોલતા મિનાક્ષીબેન જોષીએ કહ્યું કે, લાંબા સમયથી ‘ગુજરાત ટુડે’ની નિયમિત વાચક છું. જે સાચી દિશાના વિકાસની વાત કરે છે એનો પ્રવાહ અનુભવ્યો છે. સમાચારો તો ઘણા માધ્યમો આપે છે પરંતુ ‘ગુજરાત ટુડે’ દૈનિક જેટલા આંતરરાષ્ટ્રીય સમાચાર અન્ય માધ્યમોમાં વાંચવા નથી મળતા. પ્રગતિશીલ વિચારધારાની પરંપરા જાળવીને, મહિલા-પુરૂષને સાથે લઈ ચાલનાર દૈનિક તરીકે જાણું છું. સમગ્ર સમાજનું છાપું છે. તેમણે વધુમાં જણાવ્યું કે અમે નલિયાકાંડનો વિરોધ મંજૂરી વગર કર્યો તેની તસવીર ફક્ત ‘ગુજરાત ટુડે’ દૈનિક દ્વારા જ પ્રસિદ્ધ કરાઈ તેમજ વાચા આપવામાં આવી. મહિલાઓ બધુ કરવા સક્ષમ છે. ડર-સંકોચ બાજુએ મૂકી નવો સમાજ રચવા પહેલ કરવી જોઈશે અને એ માટે ‘ગુજરાત ટુડે’ પ્લેટફોર્મ પૂરૂં પાડતંુ આવ્યું છે. આફરીન પઠાણ-ગોમતીપુર મ્યુ. કોર્પોટરએ જણાવ્યું હતું કે, બુરખો પહેરીને પણ મહિલા અત્યાચારનો સામનો કરી શકે છે. જે તેને બુરી નજરથી બચાવે છે. સલામતી-અસલામતી સમાજ નિર્મિત મહિલાએ નિડરતાથી સામનો કરવા, રસીદાબેન પટેલે એવી હાકલ કરી અને કહ્યું કે, સ્ત્રી-પુરૂષ, કુદરત નિર્મિત છે પરંતુ સલામતી-અસલામતી સમાજ દ્વારા ઉદ્ભવી છે. આ પરિસ્થતિનો સામનો મહિલાએ પોતે નિડરતાથી કરવાનો છે. પોતાની સુરક્ષા અંગેના હક-અધિકારોથી જાગૃત રહેવું પડશે અને સંસ્કારથી કુટુંબ સમાજનું ઘડતર કરવામાં મહિલાઓએ પોતાની પચાસ ટકા જવાબદારી નિભાવવી પડશે. આ વિચારગોષ્ઠિ માટે ‘ગુજરાત ટુડે’ દૈનિકે જે પ્લેટફોર્મ આપ્યું તેનો આભાર માન્યો. મહિલાઓને કોઈપણ ક્ષેત્રે અસુરક્ષાનો અનુભવ ન થાય તે માટે કાયદાઓ, સંસ્થાઓ તો છે પરંતુ એ અંગેની જાણકારી મહિલાઓમાં નથી. સ્ત્રી સશક્તિકરણ એટલે સ્ત્રીને પોતાની સુરક્ષા અંગેની જાણકારી હોવી જોઈએ તેમ ફિરોઝાબેન ખોખરે જણાવ્યું હતું. રશીદાબેન કુરેશી (મોટી જમાત)એ મહિલાઓને એક મંચ પર લાવવા બદલ ટ્રસ્ટની પ્રશંસા કરતાં જણાવ્યું કે મહિલા જ્યાં સુધી બહાર નીકળવામાં સંકોચ શરમ નહીં છોડે ત્યાં સુધી તે આવનાર પડકારોનો સામનો કરતાં નહીં શીખી શકે. મ્યુ. કાઉન્સિલર રોશનબેન વ્હોરાએ વિચારોની આપ-લે માટે પ્લેટફોર્મ પૂરૂં પાડવા બદલ ‘ગુજરાત ટુડે’નો આભાર વ્યક્ત કરતાં શિક્ષણ પર ભાર મૂક્તાં જણાવ્યું કે સ્ત્રી ભણેલી હશે તો પોતાના હક માટે લડત આપી શકશે. ‘ગુજરાત ટુડે’ દૈનિકે દરેક સમાજના હિતમાં લખનાર, સમાજને સાથે લઈને ચાલનાર નિષ્પક્ષ, સુસંસ્કારી દૈનિક છે. આ દૈનિક ઘર-ઘર પહોંચે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે પ્રકાશક ઐયુબભાઈ પટેલ પણ ખાસ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમના અંતે આભારવિધિ સહતંત્રી અલમદારહુસેન બુખારીએ કરી હતી. જ્યારે સમગ્ર સમારંભનું સફળતાપૂર્વક સંચાલન વહીદાબેન પટેલે કર્યું હતું.
રાજ્યના ૩૩ જિલ્લાઓના સર્વોચ્ચ પદે ૪ મહિલા જજમાં એક રિઝવાના ઘોઘારી
રાજ્યના પ્રત્યેક જિલ્લામાં એક ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ પ્રિન્સિપલ જજ હોય છે. રાજ્યના ૩૩ જિલ્લાઓમાંથી ચાર જિલ્લાઓમાં આ સન્માનીય સ્થાને મહિલાઓ બિરાજે છે. તે ચારમાંથી એક તે મોરબીના ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ પ્રિન્સિપલ જજ તે રિઝવાના બહેન ઘોઘારી છે. જે ગુજરાતના સમગ્ર મુસ્લિમ સમાજે ગૌરવ લેવા જેવી બાબત છે.
‘ગુજરાત ટુડે’નો ઉદ્દેશ્ય લોકોના અવાજને તંત્ર સુધી પહોંચાડવાનો છે : એમ.એમ. તિરમીઝી
મહિલાઓ સાથેની વિચારગોષ્ઠિમાં ‘ગુજરાત ટુડે’ સ્વાગત પ્રવચન કરતાં લોકહિત પ્રકાશન સાર્વજનિક ટ્રસ્ટના ઉપપ્રમુખ એમ.એમ. તિરમીઝીએ જણાવ્યું હતું કે લોકહિત પ્રકાશન સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ૧૯૯૧ની ર૯મી જુલાઈના રોજ ‘ગુજરાત ટુડે’ (દૈનિક) અખબાર શરૂ કરવામાં આવ્યું હતું. તેનો મૂળ ઉદ્દેશ્ય લોકોની સમસ્યાઓ તથા અવાજને સંબંધિત તંત્ર સુધી પહોંચાડવાનો છે તથા સમાજમાં એકતા અને ભાઈચારાના માહોલને મજબૂત બનાવવાનો છે. આ ટ્રસ્ટ દ્વારા માત્ર અખબાર જ પ્રકાશિત નથી કરાતું બલ્કે સામાજિક, આરોગ્ય, શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. ઝકાત અને ડોનેશન એકત્ર કરી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પ્રતિવર્ષ રૂા.રપ લાખ આર્થિક સહાય કરવામાં આવે છે. ચાલુ વર્ષે રૂા.૩ર લાખ એજ્યુકેશન સહાય આપવામાં આવી હતી. અત્યારસુધી રૂા.પ.૩૦ કરોડની સહાય કરાઈ છે. ગરીબ અને જરૂરિયાતમંદ હાર્ટ-કીડનીના દર્દીઓના ઓપરેશન કરાવવા માટે પણ આ ટ્રસ્ટ દ્વારા ટહેલ નાંખી નાણાં એકઠા કરી દર્દીને સહાય કરી માનવતાનું કાર્ય કરવામાં આવે છે.
‘ગુજરાત ટુડે’ માત્ર અખબાર જ નહીં બલ્કે મિશન છે : અઝીઝ ટંકારવી
‘ગુજરાત ટુડે’ (દૈનિક)ના તંત્રી અઝીઝ ટંકારવીએ સંસ્થાના કાર્યોની રૂપરેખા આપી હતી. તેમણે ‘ગુજરાત ટુડે’એ છેલ્લા રપ વર્ષમાં કરેલા અગણિત કાર્યોની માહિતી આપી હતી. ‘ગુજરાત ટુડે’ અખબાર સૌના સાથ સહકારથી વટવૃક્ષ બની ચૂક્યું છે. ‘ગુજરાત ટુડે’ એ માત્ર એક અખબાર જ નહીં, બલ્કે મિશન છે. મીડિયા અને સમાજસેવા ક્ષેત્રે ઝળહળતો સિતારો છે. આ સમાચાર અશ્લિલતાથી દૂર અને સંસ્કારોથી ભરપૂર છે. પરિવારના બધા જ સભ્યો ઘરમાં બેસી વાંચી શકે તેવું એક સભ્ય અખબાર છે. વાપીથી વેરાવળ સુધી ‘ગુજરાત ટુડે’ અખબારની કોપી જાય છે. પરંતુ હજી વધુ વિસ્તારમાં જાય તેવા પ્રયાસો કરવા જોઈએ. ઘેર-ઘેર ‘ગુજરાત ટુડે’ મંગાવવું જોઈએ. આ અખબાર કદી ટેબલ સ્ટોરી છાપતું નથી. તમામ સમાચારો તથ્ય આધારિત તટસ્થ હોય છે. મહિલાઓને ચાર દીવાલોની વચ્ચે બેસાડી રાખવાની વાત ઈસ્લામે કદી કરી નથી. ૧૪૦૦ વર્ષ અગાઉ હઝરત ખદીજા (ર.દિ.) વેપાર કરતા હતા. બહેનો તો ઘરની ‘માસ્ટર કી’ છે. મહિલાઓ મા, પત્ની, બહેન, પુત્રીના સ્વરૂપમાં સમાજ સાથે વણાયેલી છે. સ્ત્રી ભણેલી હોય કે અભણ તેના વાત્સલ્યમાં તસુભાર ફેર પડતો નથી. સ્ત્રી એ તો અલ્લાહનું વરદાન છે. તેનાથી જ સમાજ ટકી રહેલો છે.
સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહિલાઓ આગવું યોગદાન આપી શકે : મુસ્તાક પટેલ
‘ગુજરાત ટુડે’ પ્રિમાઈસીસમાં આજે મહિલાઓ સાથે યોજાયેલ વિચારગોષ્ઠિ કાર્યક્રમમાં ‘ગુજરાત ટુડે’ના ટ્રસ્ટી મુસ્તાકભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજની વિચાર ગોષ્ઠિનો વિષય ‘મહિલાઓની સુરક્ષામાં સરકાર સમાજ, મીડિયા અને ખુદ મહિલાઓની ભૂમિકામાં મહિલાઓની વ્યક્તિગત સુરક્ષાની સાથે-સાથે મહિલાઓની સામાજિક, શૈક્ષણિક, આર્થિક ક્ષેત્રોમાંની સુરક્ષાની પણ ચર્ચા કરવામાં આવે તે ખૂબજ જરૂરી અને આવશ્યક પણ છે. કેમ કે આધુનિક જમાનામાં આ બાબતોની અવગણના કરવી એ વિકાસને રુંધી નાખવાની વાત છે.