National

મોદીના વ્યાપારી મિત્રને ફાયદો પહોંચાડવા માટે રાફેલ સોદો કરવામાં આવ્યો છે : યેચૂરી

(એજન્સી) તા.૧૮
સીપીઆઈ(એમ)ના મહાસચિવ સીતારામ યેચૂરીએ શુક્રવારે આક્ષેપ કર્યો હતો કે સરકારે ફ્રાંસ સાથે ૩૬ રાફેલ વિમાનોનો સોદો નરેન્દ્ર મોદીના વ્યાપારી મિત્રને લાભ આપવા માટે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એક મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે મોદી સરકારે યુપીએ સરકારે નક્કી કરેલી રાફેલ વિમાનની કિંમત કરતા ૪૧.૪ર ટકા વધારે કિંમત ચૂકવી છે.
યેચૂરીએ આ મીડિયા અહેવાલને ટાંકી ટ્‌વીટ કર્યું હતું કે પેરિસમાં ૧ર૬ રાફેલ વિમાનોને બદલે ૩૬ રાફેલ વિમાનો ખરીદવા વિશે નરેન્દ્ર મોદીએ અચાનક કરેલી જાહેરાતથી સમગ્ર પ્રક્રિયાનો ભગ થયો છે. આ ઉપરાંત ભારતની રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમાધાન પણ કરવામાં આવ્યું છે અને ૪૧ ટકા વધારે ભાવ આપવામાં આવ્યો છે. આ જ કારણે મોદી આ સોદાની વિગતો આપવાથી ગભરાય છે. તેમણે કહ્યું હતું કે સીપીઆઈ(એમ) લાંબા સમયથી આ સોદામાં સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસની માગણી કરી રહી છે. સીપીઆઈ(એમ)ના નેતાએ કહ્યું હતું કે આમાં કોઈ શંકા નથી કે મોદીએ ખૂબ જ ઉતાવળે ફ્રાંસ સાથે કરેલો આ સોદો તેમના વ્યાપારી મિત્રના ફાયાદા માટે છે.