National

સોશિયલ મીડિયા પર સક્રિયતા વધારવા માટે કોંગ્રેસે કમર કસી

(એજન્સી) કલકાતા,તા.૧ર
પં.બંગાળમાં કોંગ્રેસ સોશિયલ મીડિયા સાઈટો પર યુવાઓનું સમર્થન મેળવવાની રીતો પર કામ કરી રહી છે. પાર્ટીના નેતાઓનું માનવું છે કે તેનાથી ઈન્ટરનેટ પર તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપા દ્વારા ચલાવવામાં આવતા અભિયાનોનો સામનો કરવામાં મદદ મળશે.
કોંગ્રેસનો રાજ્ય એકમ પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રથી લઈને પ્રત્યેક મતદાન કેન્દ્ર સુધી સોશિયલ મીડિયાના સંયોજકોની નિમણૂક કરી રહી છે. તે પાર્ટી કાર્યકર્તાઓ અને નેતાઓને આ વેબસાઈટોના ઉપયોગ પ્રત્યે જાગૃત બનાવવા માટે કાર્યશાળાઓનું આયોજન કરવાની પણ યોજના ઘડી રહી છે.
પ.બંગાળમાં પાર્ટીના સોશિયલ મીડિયાના સંયોજક અનુપમ ઘોષે કહ્યું કે વાત જ્યાં સુધી પ્રદેશમાં રાજકીય અભિયાનો માટે સોશિયલ મીડિયા સાઈટના ઉપયોગની છે, તેમાં પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ, ભાજપા અને વામપંથી દળોથી ખૂબ જ પાછળ છે.
ઘોષે જણાવ્યું કે, અમને પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પાસેથી સ્પષ્ટ નિર્દેશ મળ્યો છે કે આપણે રાજ્યમાં સોશિયલ મીડિયા પર પોતાની હાજરી વધારવાની જરૂર છે.’ રાજ્યના દરેક વિધાનસભા ક્ષેત્રમાં સોશિયલ મીડિયા સંયોજકની નિમણૂક કર્યા બાદ પાર્ટી, પ્રત્યેક બ્લોક અને પ્રત્યેક મતદાન કેન્દ્ર પર સંયોજકોની નિમણૂક પર ધ્યાન આપશે.
પ.બંગાળમાં ર૯૪ વિધાનસભાની બેઠકો માટે લગભગ ૭૭ હજાર મતદાન કેન્દ્ર છે. આ નિર્ણય આગામી વર્ષે યોજાનાર પંચાયત ચૂંટણી અને વર્ષ ર૦૧૯માં યોજાનાર લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.