(સંવાદદાતા દ્વારા) ભાવનગર,તા.ર૩
ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલનાં માર્ગદર્શન હેઠળ બહુચર્ચીત કાળીયાબીડ મર્ડર કેસના ફરાર આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓને એસ.ઓ.જી. પોલીસે નારી ચોકડી ખાતેથી ઝડપી પાડેલ છે.
આ બનાવની વિગત એવી છે કે, તા.૧૯/૦૧/૨૦૧૯ના રોજ ફરિયાદી ભગીરથભાઇ નરેશભાઇ હડીયલએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે, તેઓ પોતાના મિત્ર સુજાનસિંહ પરમાર રાત્રીના ભગવતી સર્કલ પાસે બજરંગદાસબાપાની મઢુલી પાસે શિવ પાન પાર્લર સામે ઓટલા ઉપર બેઠા હતા. તે વખતે હરૂભા પીપળી., જે.ડી.સરવૈયા, જયદીપ લાખાણી, કોનાર્ક પરમાર તથા બીજા પાંચ અજાણ્યા માણસો તલવાર, છરી, ધારીયા જેવા હથિયારો લઇને આવેલ અને સુજાનસિંહ તથા પોતાને આ હથિયારો વતી માર મારેલ જેમા સુજાનસિંહનું મોત નીપજ્યુ હતું.
ત્યારબાદ પી.એસ.આઈ. ડી.ડી.પરમારે એસ.ઓ.જી.ની જુદી-જુદી ટીમો બનાવી ફરાર આરોપીઓને તાત્કાલીક ઝડપી પાડવા ચક્રોગતીમાન કર્યા હતા. એસ.ઓ.જી.ના કોન્સ્ટેબલ પ્રદિપસિંહ ગોહિલને બાતમી મળેલ હતી કે, ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓ નારી ચોકડી થઇ ભાવનગર શહેરમાં આવવાના છે. જેથી એસ.ઓ.જી. પોલીસ નારી ચોકડી ખાતે વોચમાં હતી. દરમ્યાન ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓ જયદીપસિંહ ઉર્ફે જે.ડી. અર્જુનસિંહ મનુભા સરવૈયા (ઉ.વ.૨૩) (રહે. વડવા ફાચરીયાવાડ, શેરી નંબર ૩ ભાવનગર), કોનાર્ક ધર્મેન્દ્રભાઇ હરિભાઇ સોલંકી (ઉ.વ.૧૯) (રહે. પ્લોટ નં. એ-૪/૮૧૨ પટેલ પાર્ક, મહિલા કોલેજ પાછળ, મુની ડેરી ભાવનગર) અને હરવિજયસિંહ ઉર્ફે હરૂભા પીપળી મહાવિરસિંહ મહિપતસિંહ ચુડાસમા (ઉ.વ.૨૫) (રહે. ગામ પીપળી તાલુકો ધોલેરા)ને ઝડપી પાડવામાં આવેલ છે. નં. જીજે ૦૪ બીએમ ૧૮૧૯ કબ્જે કરેલ છે.