સોહરાબુદ્દીન કેસ : પુરાવાના અભાવે ડી.જી. વણઝારા અને દિનેશ એમએનને છોડી મૂકતી કોર્ટ

અમદાવાદ, તા.૧
કેન્દ્રમાં ભાજપ સરકાર આવી છે ત્યારથી પ્રજાના અચ્છે દિન આવે કે ના આવે પણ ગુજરાતમાં બોગસ એન્કાઉન્ટર કેસમાં સંડોવાયેલા તમામ પોલીસ કર્મીઓના અચ્છે દિન આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. સૌપ્રથમ તો આરોપી પોલીસ અધિકારીઓને જામીન મળવા લાગ્યા અને હવે ૧પ જેટલા આરોપીઓનો નિર્દોષ છૂટકારો થયો હોવાનું ખૂલ્યું છે. મુંબઈની સીબીઆઈ કોર્ટે મંગળવારે ચકચારી સોહરાબુદ્દીન શેખના નકલી એન્કાઉન્ટર કેસમાં સંડોવાયેલા ગુજરાતના નિવૃત્ત આઈપીએસ અધિકારી ડી.જી. વણઝારા અને રાજસ્થાનના આઈપીએસ અધિકારી દિનેશ એમ.એનને પુરાવાના અભાવે છોડી મૂકવાનો નિર્ણય કર્યો છે.
મુંબઇ સીબીઆઇ કોર્ટે એક અતિમહત્વના અને અસાધારણ ચુકાદા મારફતે દેશભરમાં ખળભળાટ મચાવનારાના સોહરાબુદ્દીન શેખના બોગસ એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના નિવૃત્ત આઇપીએસ ઓફિસર ડી.જી.વણઝારા અને રાજસ્થાનના આઇપીએસ અધિકારી દિનેશ એમ.એનને કેસમાં સંપૂર્ણ દોષમુકત જાહેર કર્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો, કોર્ટે બંને અધિકારીઓને બિનતહોમત છોડી મૂકવાનો હુકમ કર્યો છે. યોગ્ય પુરાવાના અભાવે કોર્ટે બંને ઉચ્ચ પોલીસ અધિકારીઓને આરોપમુકત કર્યા હતા. મુંબઇ સીબીઆઇ કોર્ટના આ હુકમને પગલે ડી.જી.વણઝારા અને દિનેશ એમ.એનને રાહત મળી છે. આ સાથે કેસમાંથી અત્યારસુધીમાં ૧૫ પોલીસ અધિકારીઓ બિન તહોમત છૂટી ગયા છે. જયારે કોર્ટે આ કેસમાં રાજસ્થાનના બે પોલીસ અધિકારીઓ હિમાંશુ સીંગ અને શ્યામસીંગ ચરણની કેસમાંથી બિનતહોમત છોડી મૂકવા દાદ માંગતી ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી હતી. હજુ પણ આ કેસના કેટલાક આરોપીઓની ડિસ્ચાર્જ અરજી પેન્ડીંગ છે અને તે પછી ટ્રાયલ શરૂ થવાનો પણ બાકી છે. ઉલ્લેખનીય છે કે, ચકચારભર્યા સોહરાબુદ્દીન અને તેના સાગરિત તુલસીરામ પ્રજાપતિના બોગસ એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇએ ગુજરાતના તત્કાલીન ગૃહપ્રધાન અને હાલના ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત કુલ ૩૮ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. બાદમાં સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઇ આ કેસની સુનાવણી મુંબઇ સીબીઆઇ કોર્ટમાં ટ્રાન્સફર થઇ હતી. જેમાં એક પછી એક તબક્કાવાર આરોપીઓએ તેઓની સામે પૂરતા પુરાવા નથી અને ખોટી રીતે કેસમાં સંડોવી દેવાયા હોવાની રજૂઆત સાથે આ કેસમાંથી બિનતહોમત છોડી મૂકવા દાદ માંગતી અરજીઓ કરી હતી, જે સીબીઆઇની વિશેષ અદાલતે સમયાંતરે મંજૂર રાખી હતી અને આ કેસમાં અત્યારસુધીમાં ૧૫ આરોપીઓને બિનતહોમત છોડી મૂકયા છે. જેને પગલે હવે આ તમામ આરોપીઓ સામે તમામ કાનૂની કાર્યવાહી પડતી મૂકાઇ છે.
કોણ કોણ છૂટી ગયા ?

થોડા સમય પહેલાં જ સીબીઆઇની વિશેષ અદાલતે સોહરાબુદ્દીન શેખ અને તુલસી પ્રજાપતિના કથિત બોગસ એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના આઇપીએસ ઓફિસર રાજકુમાર પાંડિયનને પણ થોડા સમય પહેલાં જ દોષમુકત જાહેર કર્યા હતા. પાંડિયન આ બંને કેસમાંથી બિનતહોમત છોડી મૂકાતા તેઓની સામેની તમામ કાનૂની કાર્યવાહી પડતી મૂકાઇ હતી. દેશભરમાં ખળભળાટ મચાવનારા સોહરાબુદ્દીનના કથિત બોગસ એન્કાઉન્ટર કેસમાં સૌથી મોટા માથામાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ એવા અમિત શાહને મુંબઇ સીબીઆઇ કોર્ટ દ્વારા ડિસેમ્બર-૨૦૧૪માં બિનતહોમત છોડી મૂકાયા હતા. ડિસેમ્બર-૨૦૧૬માં ક્રાઇમબ્રાંચના તત્કાલીન નાયબ પોલીસ અધિક્ષક એન.કે.અમીનને પણ બિનતહોમત છોડી મૂકાયા હતા. એ પછી ગુજરાતના આઇપીએસ અધિકારી રાજકુમાર પાંડિયન અને હવે ડી.જી.વણઝારા અને રાજસ્થાનના આઇપીએસ દિનેશ એમ.એન આ કેસમાંથી આરોપમુકત થયા છે. આમ અત્યારસુધીમાં કુલ ૧૫ આરોપીઓ દોષમુકત થઇ છૂટી ગયા છે.

સોહરાબુદ્દીન કેસ શું છે

૨૬મી નવેમ્બર ૨૦૦૫ના દિવસે સોહરાબુદ્દીન અનવરહુસૈન શેખ તેની પત્ની કૌસર બી અને તેના સાથી તુલસીરામ પ્રજાપતિ સાથે હૈદ્રાબાદથી સાંગલી તરફ જઇ રહેલી લક્ઝરી બસમાં મુસાફરી કરી જઇ રહ્યા હતા ત્યારે પોલીસે ત્રણેય જણાંને ઉઠાવ્યા હતા અને ત્યારબાદ તબક્કાવાર તેમને પતાવી દેવાયા હતા. ગુજરાત પોલીસે સોહરાબુદ્દીન પોલીસના સકંજામાંથી ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો ત્યારે વળતા ગોળીબારમાં માર્યો ગયો તેવી થિયરી રજૂ કરી હતી. સોહરાબુદ્દીનના ભાઇ રૂબાબુદ્દીન શેખે સુુપ્રીમકોર્ટ સુધી લડત આપી હતી અને તેમાં આ એન્કાઉન્ટર બોગસ હોવાનું સામે આવ્યું હતું, તેથી તે દિશામાં સોહરાબ અને તુલસી પ્રજાપતિ કેસોની તપાસ થઇ હતી. છેવટે આ બંને કેસ મુંબઇ સીબીઆઇ કોર્ટમાં ટ્રાન્સફર થયા હતા પરંતુ નક્કર પુરાવાના અભાવે કોર્ટે એક પછી એક ૧૫ આરોપીઓને બિનતહોમત છોડી મૂકયા હતા. સોહરાબુદ્દીન શેખ અને તુલસી પ્રજાપતિના કથિત બોગસ એન્કાઉન્ટર કેસોમાં સીબીઆઇ દ્વારા ગુજરાતના તત્કાલીન આઇપીએસ અધિકારી ડી.જી.વણઝારા, રાજકુમાર પાંડિયન, દિનેશ એમ.એન, નરેન્દ્ર કે.અમીન, તરૂણ બારોટ સહિત ૩૮થી વધુ પોલીસ અધિકારીઓની ધરપકડ કરી હતી. ૨૦૧૨માં સીબીઆઇની વિનંતીને પગલે સોહરાબુદ્દીનનો કેસ મુંબઇ કોર્ટમાં ટ્રાન્સફર કરાયો હતો. બાદમાં ૨૦૧૩માં તુલસીરામ પ્રજાપતિનો કેસ પણ સોહરાબના કેસ સાથે મર્જ કરી દેવાયો હતો. હાલ આ કેસના તમામ આરોપીઓ જામીન પર મુકત છે. સોહરાબુદ્દીન મામલામાં ભારે ચકચારપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે.

 

ન્યાયતંત્રની કામગીરી ધીમી પરંતુ ન્યાય મળે છે : વણઝારા
ગુજરાતના ચર્ચાસ્પદ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇની વિશેષ અદાલતે ગુજરાત પોલીસના પૂર્વ ડીઆઇજી ડીજી વણઝારા અને આઇપીએસ દિનેશ એમએનને આરોપોમાંથી મુક્ત કર્યા હતા. બંને અધિકારીઓ પર નકલી એન્કાઉન્ટરનો આરોપ હતો. આ કેસમાં બંને અધિકારીઓ ઘણા વર્ષ સુધી જેલમાં રહ્યા. વણઝારાને ૨૦૧૪માં જામીન મળી ગયા હતા. સૂત્રો અનુસાર બંને આરોપીઓને પુરાવાના અભાવે મુક્ત કરી દેવામાં આવ્યા હતા. મુક્ત થયા બાદ પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં વણઝારાએ જણાવ્યું કે, અમે અદાલતમાં આરોપમુક્ત કરવા અંગે અરજી કરી હતી અને અમે બંનેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. એવું બની શકે કે, ભારતીય ન્યાય વ્યવસ્થા ધીમું કામ કરી રહી હોય પરંતુ ન્યાય જરૂર મળે છે. ગુજરાત એટીએસના પ્રમુખ રહેલા વણઝારા પોતાના કાર્યકાળમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા હતા અને તેમને તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અત્યંત નજીકના અધિકારી માનવામાં આવતા હતા. ૨૦૦૫માં થયેલા કથિત સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાં વણઝારાને ૨૪મી એપ્રિલ ૨૦૦૭ના રોજ પકડવામાં આવ્યા હતા જ્યારે સપ્ટેમ્બર ૨૦૧૪માં મુંબઇની એક અદાલતે વણઝારાને સોહરાબુદ્દીન શેખ અને તુલસી પ્રજાપતિના નકલી એન્કાઉન્ટર મામલે જામીન આપી દીધા હતા. વણઝારાને પહેલા ગુજરાત જવાની પરવાનગી મળી નહોતી પરંતુ બાદમાં ગત વર્ષે એપ્રિલ માસમાં સીબીઆઇની વિશેષ અદાલતે વણઝારાને ગુજરાતમાં પ્રવેશ કરવા અને ત્યાં રોકાવાની પરવાનગી આપી જામીનની શરતોમાં ઢીલ આપી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks