સોલામાં લઠ્ઠાકાંડ ?ઃ દેશી દારૂ પીધા બાદ ચારની તબિયત લથડી

અમદાવાદ,તા.૪
શહેરમાં સોલા વિસ્તારમાં દેશી દારૂ પીધા બાદ ચાર લોકોની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં બે લોકોની હાલત ગંભીર બનતા તેમને વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એટલે ગુજરાતમાં ફરી એક વખત લઠ્ઠાકાંડની શકયતા વર્તાઈ રહી છે. ત્યારે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો પણ જાણે ગુજરાતના વિકાસની જેમ દેખાતો જ નથી માત્ર કાગળ ઉપર જ જોવા મળે છે. દારૂબંધીવાળા રાજય ગુજરાતમાં ફરી એક વખત લઠ્ઠાકાંડનું ભૂત ધૂણવા લાગ્યું છે. અમદાવાદ સોલા ગામમાંથી દેશી દારૂ પીવાથી ચાર લોકોને તબિયત લથડતા તેમને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં પ્રાથમિક રિપોર્ટમાં ચારેય લોકોએ દેશી દારૂ પીધા બાદ તેમની તબિયત ખરાબ થઈ હોવાનું બહાર આવ્યું હતું. ફરજ પરના ડોકટરે તપાસ કરતા ચારેય વ્યકિતઓએ દારૂ પીધો હોવાનો ખુલાસો થયો હતો. ત્યાર બાદ આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસ અધિકારીઓનો કાફલો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. ત્યાર બાદ દાખલ કરાયેલા ચાર પૈકી બે લોકોની તબિયત વધુ બગડતા તેમને વધુ સારવાર અર્થે અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચારે લોકોની દેશી દારૂ પીધા બાદ તબિયત ખરાબ થઈ હોવાને લીધે લઠ્ઠાકાંડની શકયતા સેવાઈ રહી છે. ત્યારે બે દર્દીઓના લોહીના નમુના લઈને તેને એફએસએલ માટે મોકલવામાં આવ્યા છે જો કે ઘટનાની ગંભીરતાને જોતા ઘોડા છુટી ગયા બાદ તબેલાને તાળા મારવાની જેમ પોલીસે પણ આ ઘટના બાદ સમગ્ર શહેરમાં દારૂના અડ્ડાઓ ઉપર દરોડા પાડયા હતા. જેમાં સોલા, છારાનગર, કુબેરનગર સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસની જુદી જુદી ટીમો બનાવીને દારૂના અડ્ડાઓ પર રેડ પાડીને મોટી સંખ્યામાં દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેને પગલે શહેરમાં બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો. જો કે ખરેખરમાં દેશી દારૂમાં શું મિલાવવામાં આવ્યુ હતું ? તેની પોલીસે તપાસ આદરી છે. તેમજ ખરેખરમાં લઠ્ઠાકાંડ થયો છે કે કેમ ? તે દિશામાં પોલીસે તપાસ તો આદરી છે. અત્રે નોંધનીય છે કે આ બનાવ બાદ લઠ્ઠાકાંડની શકયતાઓ સેવાઈ રહી છે. ત્યારે પોલીસે દારૂના અડ્ડાઓ ઉપર તવાઈ બોલાવી તેના પરથી એવો સવાલ ઉભો થાય છે કે શું આ બનાવ ના બન્યો હોત તો શહેરમાં ચાલતા દારૂના અડ્ડા પોલીસને દેખાતા નહી ? દારૂના અડ્ડા બંધ કરાવવા માટે શું આવા બનાવોની જ પોલીસ રાહ જોઈને બેસી છે ? શું પોલીસની રહેમનજર વગર કોઈ દારૂ વેચી શકે ખરો ? જેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે દારૂબંધીના ગુજરાતમાં ખરેખરમાં દારૂબંધીના કાયદાનો અમલ થાય તે જરૂરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks