માળિયામિંયાણા, તા.ર૭
માળિયામિંયાણાના કચ્છના નાના રણમાં સોલ્ટ કંપની દ્વારા બનાવાયેલ મહાકાય માટીના પાળા તોડવાની સૂચના જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવી છે. મળતી વિગતો અનુસાર માળિયામિંયાણાથી પસાર થતી મચ્છુ નદી-રના વરસાદી પાણીનો નિકાલ કચ્છના નાના રણમાં થાય છે ત્યારે રણ વિસ્તારમાં આવેલી ખાનગી કંપની દ્વારા સોલ્ટ ઉત્પાદનમાં નુકસાન ન થાય અને દરિયાનું પાણી રોકવા માટે દશથી પંદર ફૂટ જેટલા ઊંચા અને પહોળા માટીના પાળાઓ કરી નાખ્યા હોવાની મચ્છુ નદીના પાણીની જાવક દરિયામાં જતાં અટકાય છે. જેના કારણે મચ્છુ નદી ઓવરફ્લો થાય છે અને માળિયાના વાંઢ વિસ્તારો હરિપર, ફતેપર, જુના-નવા હંજીયાસર અને કાજરડા સહિતના ગ્રામજનો અને પશુપાલકો ખેડૂતોના ખેતરમાં અને ઘરોમાં મચ્છુના પાણી ઘૂસી જાય છે અને ખેતીના પાક અને ખેતીની જમીન ધોવા સહિતને મોટું નુકસાન પહોંચે છે. આ અંગે અનેકવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં મોટી વગ ધરાવતી સોલ્ટ કંપની વિરૂદ્ધ કોઈ નક્કર કાર્યવાહી નહીં થતાં મોરબી જિલ્લા પંચાયતના ચેરમેન કિશોર ચિખલિયાએ રાજ્યના મુખ્ય સચિવને લેખિત રજૂઆતને ધ્યાને લઈ મોરબી જિલ્લા કલેક્ટર આઈ.કે. પટેલની સૂચનાથી અધિક કલેક્ટર પી.જી. પટેલે માટીના પાળા તોડવાની કામગીરી શરૂ કરાઈ હતી.