(એજન્સી)
નવી દિલ્હી, તા.૧પ
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ પુલવામામાં થયેલ ત્રાસવાદી હુમલા બાબત પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું. આ જંગાલિયત ભર્યા હુમલાથી હું રોષે ભરાયેલ છું અને કહ્યું કે જે લોકો આ હુુમલા માટે જવાબદાર છે એમને ન્યાય સમક્ષ ઊભા કરવામાં આવશે અને એમને ભારે કિંમત ચૂકવવી પડે એવા પ્રયાસો સરકારે કરવા જોઈએ.
ગઈકાલે થયેલ ત્રાસવાદી હુમલામાં ઓછામાં ઓછા ૩૭ સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા. સોનિયા ગાંધીએ કહ્યું, આપણા જવાનો ત્રાસવાદીઓના કાયરતાપૂર્ણ હુમલાનો ભોગ બન્યા છે. આ જંગાલિયત ભર્યા હુમલાથી હું ખૂબ દુઃખી છું. એમનો બલિદાન અમે ભૂલી નહીં શકીએ. એમણે કહ્યું કે, હું પીડિત જવાનોના કુટુંબીજનો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવું છું. મારા હૃદયનું દુઃખ અને દર્દ એમની સાથે વહેંચી રહી છું. મને આશા છે કે, આ ભયંકર હુમલાખોરોને સરકાર કાયદા સમક્ષ લઈ આવશે. આ હુમલો માનવતાની બધી જ હદો વટાવી ગયો છે.
વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને રાજ્યસભાના સાંસદ ગુલામનબી આઝાદે પણ હુમલોને વખોડી કાઢ્યો. એમણે કહ્યું કે, દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે, જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદ ફરીથી માથું ઊંચકી રહ્યો છે. એમણે રાજ્યપાલને વિનંતી કરી કે, શહીદ થયેલા જવાનોના કુટુંબીજનોને વળતર અપાવવા બધા જ સંભવિત પ્રયાસો કરવામાં આવે.