
ગોધરા,તા.૧૧
ગોધરા શહેરમાં રહેતો અને સેલેક્યુટ સ્કેલેરિંગ પેરેફેલિટીઝ (એસએસપી) નામની બીમારીથી પીડાતા બાળકના ઈલાજ માટે તેના પરિવારજનોએ સાંસદ ચૌહાણનો સંપર્ક કરતા તેમણે વડાપ્રધાનને રજૂઆત કરી બાળકની જાન બચાવવા ભલામણ કરતો પત્ર લખ્યો હોવાનું જાણવા મળેલ છે. ગોધરા શહેરના મેંદાપ્લોટ ખાતે રહેતા સલીમહુસેન કલંદરના પુત્ર મોહમ્મદ ઝૈદ (ઉં.વ.૧૦)ની અવારનવાર તબિયત લથડતાં તેના પરિવારજનો થોડા દિવસ અગાઉ અમદાવાદ ખાતે નામાંકિત તબીબો પાસે લઈ ગયા હતા. જ્યાં ઝૈદનું ખાનગી હોસ્પિટલમાં ચેકઅપ કરાવતા તેને સેલેક્યુટર સ્કેલેરીંગ પેરેફેલિટીઝ (એસએસપી) નામની બીમારી હોવાનું જાણવા મળતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ઝૈદ તેના પિતાનો એકનો એક પુત્ર છે. જે હાલમાં મરણ પથારીએ પડ્યો છે. તેનું ભાવિ અદ્ધરતાલ પડ્યું છે. જેથી તેના પિતા ભાંગી પડ્યા છે. પોતાના પુત્રની બીમારીના ઈલાજ માટે તેઓ આખા રાજ્યની હોસ્પિટલોમાં ફરી ચૂક્યા છે. પરંતુ આ બીમારીનો ઈલાજ રાજ્યમાં શક્ય જ નથી. આ બીમારીના ઈલાજ માટે અમેરિકાથી ઈન્જેકશન મંગાવવાના હોય છે. એક ઈન્જેકશનનો ખર્ચ ૧૬.પ૦ લાખ છે. એવા નવ ઈન્જેકશનની જરૂર હોવાનું તબીબોએ કહેતા તેના પિતા પડી ભાંગ્યા છે. આટલા રૂપિયા ક્યાંથી લાવવા એ વિચારમાં પડી ગયા છે ! દરમ્યાન તેમને જાણવા મળ્યું કે આવા રોગના ઈલાજ માટે વડાપ્રધાનની ગ્રાન્ટમાંથી રકમ ફાળવાય છે. જેથી તેઓએ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનો સંપર્ક કરી પોતાના બાળકના રોગ તથા સંભવિત ખર્ચા અંગે વાતચીત કરતા સાંસદે આ અંગે તાત્કાલિક વડાપ્રધાન મોદીને ભલામણપત્ર લખી મોહમ્મદ ઝૈદને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે અનુરોધ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઝૈદના પિતાએ જણાવ્યું હતું કે આ રોગથી રાજ્યમાં રર છોકરા પીડાય છે અને આ રોગમાં ઈન્જેકશનની કિંમત વધુ હોય બાળકોનો ઈલાજ વાલીઓ નહીં કરી શકતા તેઓના જીવ જોખમમાં મૂકાયા છે. આવી બીમારીથી પીડાતા સાવરકુંડલાના પાર્થ દિનેશ વારણને પણ વડાપ્રધાનની ગ્રાન્ટમાંથી મદદ કરવામાં આવી હતી. તેનો ઉલ્લેખ કરી વડાપ્રધાનની ગ્રાન્ટમાંથી ઈન્જેકશનો મંગાવી પોતાના બાળકની જાન બચાવવા સાંસદે ભલામણ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યાનું તેઓએ જણાવ્યું હતું.