સ્ટેમ્પ કે સ્ટેમ્પ પેપરની અવેજીમાં ફ્રેન્કીંગ મશીન કે ઈ-સ્ટેમ્પિંગનો ઉપયોગ કરો

અમદાવાદ, તા.૧ર
મિલકત સંબંધી નાણાકીય સહિત અન્ય વ્યવહારોમાં વપરાતા સ્ટેમ્પ પેપરની અછતને લીધે નાગરિકોને પડતી મુશ્કેલી નિવારવા રાજ્ય સરકારે આવા વ્યવહારો માટે ફ્રેન્કીંગ મશીન અને ઈ-સ્ટેમ્પિંગનો વધુમાં વધુ ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે. નાની મોટી રકમના સ્ટેમ્પ કે સ્ટેમ્પ પેપરની ખરીદીમાં નાગરિકોને મુશ્કેલી પડતી હોવા સંદર્ભે તેમજ ખરીદીમાં અગવડો પડતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે આવા વ્યવહારો માટે ફ્રેન્કીંગ મશીન અને ઈ-સ્ટેમ્પિંગ કેન્દ્રોનો વ્યાપક ઉપયોગ કરવા રાજ્ય સરકાર દ્વારા અનુરોધ કરાયો છે. આ માટે રાજ્યમાં સહકારી, સરકારી અને ખાનગી બેંકો હસ્તક કુલ ૩૭૮ ફ્રેન્કીંગ મશીનો કાર્યરત છે એ જ રીતે રાજ્યની ર૮૭ સબ રજિસ્ટ્રાર ઈ-સ્ટેમ્પિંગ કેન્દ્રો અને અન્ય ૯૮ ઈ-સ્ટેમ્પિંગ કેન્દ્રો પણ વિવિધ બેંકો/સંસ્થાઓમાં અને ૩૬ર સ્ટેમ્પિંગ કેન્દ્રો પોસ્ટ ઓફિસ ખાતે કાર્યરત છે. જેનો સ્ટેમ્પ પેપરના વિકલ્પ તરીકે વધુને વધુ લાભ લેવા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. રાજ્યભરમાં તમામ પ્રકારના અને નાની મોટી રકમના સ્ટેમ્પ કે સ્ટેમ્પ પેપરનો જથ્થો ઉપલબ્ધ છે. સમયાંતરે કોઈ જિલ્લામાં ખાસ કરીને નાની રકમના સ્ટેમ્પ કે સ્ટેમ્પ પેપર ઉપલબ્ધ ન હોવાના, સ્ટેમ્પ વેન્ડરો દ્વારા કિંમત કરતા વધુ રકમ વસૂલવાના અને પોતાની પાસે જે લોકો દસ્તાવેજ કે અન્ય કાગળો તૈયાર કરાવે તેમને જ સ્ટેમ્પ પેપર આપતા હોવાની ફરિયાદ ઊઠે છે. જે સંદર્ભે હાલ કોઈ પણ સ્ટેમ્પ વેન્ડર તેમની પાસે ઉપલબ્ધ સ્ટેમ્પ કે સ્ટેમ્પ પેપરમાં છાપેલી કિંમત કરતા વધુ રકમ માગી શકે નહીં કે નાગરિકોને સ્ટેમ્પ કે સ્ટેમ્પ પેપર વેચાણ કરવાનો ઈન્કાર કરી શકે નહીં. રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને સ્ટેમ્પ વેન્ડરોની કામગીરી ઉપર ચાંપતી નજર રાખવા જણાવ્યું છે. આ બાબતે કોઈ ફરિયાદ કે મુશ્કેલી ઉદ્‌ભવે તો સંબંધકર્તા પ્રાંત અધિકારી કે કલેક્ટરનો સંપર્ક કરી સ્ટેમ્પ વેન્ડરો સામેની ફરિયાદ કે મુશ્કેલી રજૂ કરવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks