ઉના પંથકના હજારો શ્રમિક મજૂરો બેરોજગાર બન્યા
સરકારના ખનિજ વિભાગની નીતિરીતિ અને ૧૧ માગણીના ઉકેલ માટે તંત્ર સાથેની મીટિંગ નિષ્ફળ જતાં લેવાયેલો નિર્ણય
ઉના, તા.૧૮
સમગ્ર ગુજરાતભરમાં ચાલતા બ્લેકસ્ટોન ભરડીયા અને ખાણોની કામગીરી સામે સરકારે વારંવાર નીતિ નિયમોમાં ફેરફાર કરતાં અને ર૦૧૬ના નવા નોટીફિકેશન આવતા તેમાં અગિયાર જેટલી બાબત ખનિજ અને બ્લેક સ્ટોન ઉદ્યોગ માટે અતિ મુશ્કેલ બનતાં આ બાબતે વારંવાર સરકાર અને તંત્રને જાણ કરવા છતાં ન્યાય ન મળતાં સેંકડો ભરડીયાઓ બંધ થતાં હજારો શ્રમિકો મજૂરો એક ઝાટકે બેરોજગાર બની જતાં રોજી-રોટી છીનવાઈ ગયેલ છે સાથે સાથે રસ્તા હાઈવે માર્ગ પંચાયત રસ્તા અને બિલ્ડીંગ બાંધકામો બંધ થવા લાગતા ભારે મુશ્કેલી સર્જાયેલ છે.
ગીર સોમનાથ સ્ટોન ક્રશર એન્ડ બ્લેકકોરી એસોસિએશન દ્વારા ગુજરાત સરકાર અને ખનિજ વિભાગને ઘણા લાંબા સમયથી ખનિજ ખાડા માપણીમાં આડેધડ કરોડોના કરાતા દંડ, ક્વોરી ઝોન ડીકલેર કરવા ર૦૧૬નું બહાર પડેલ નોટિફીકેશન રદ કરવા, ગુજરાત રાજ્ય ક્વોરી એસોસિએશનના પ્રમુખ ઉપર સરકારે કરેલ પોલીસ કેસ પરત ખેંચવા અસામાજિક તત્ત્વો દ્વારા બંધ કરાવેલ કવોરી શરૂ કરાવવા, ઈકો સેન્સેટીવ ઝોન ઘટાડીને ૦ કિ.મી. આ૫વા, મારબલની જેમ બ્લેકટ્રેપની અલગ પોલીસી બનાવવા, ડિસ્ટ્રીક મીનરલ ફાઉન્ડેશનના દસ ટકા લેવા, અચાનક કોઈ પ્રકારની નોટિસ વગર રોયલ્ટી પાસ બંધ કરવા, સરકાર કોઈપણ ખનિજ નિર્ણય લે તે પહેલા એસોસિએશન સાથે ચર્ચા વિચારણા કરવા જેવી અનેક બાબતે માગણીઓ પડતર છે અને આ માગણીઓના ઉકેલ માટે વારંવાર અધિકારીને રજૂઆત આવેદનપત્ર અને મીટિંગ પણ કરાયેલ છે પણ તે નિષ્ફળ રહી છે.
આખરે આ બાબતે લાખો રૂપિયા કર ભરતા સ્ટોન ક્રશર એન્ડ બ્લેક કવોરી એસોસિએશન તંગ આવી ગયેલ અને તંત્ર સામે પ્રથમ ઓલ ગુજરાત એસોસિએશનના મધ્ય ગુજરાતના પાંચ જિલ્લા ખેડા, પંચમહાલ મહીસાગર, બરોડા, દાહોદએ ખાણ ખનીજ વિભાગ દ્વારા સ્ટોક તથા ખાડાની માપણની ખોટી પધ્ધીત અપનાવી માપણી શરૂ કરાતા તેના વિરોધમાં ૧રપ જેટલા સ્ટોક ક્રશરએ તા.૩-૧રથી બંધ કરી વિરોધ વ્યક્ત કરેલ તેમ છતાં વહીવટી તંત્ર અકળ રહી જડ નિયમોને આધીર રહી કામગીરી શરૂ રાખતા સમગ્ર ગુજરાત એસોસિએશન રોષે ભરાયેલ અને એક ઝાટકે ઉત્પાદન અને બ્લેકસ્ટોન, કાંકરી, કપચીનું વેચાણ બંધ કરી ભરડીયાનો ઉદ્યોગ સજ્જડ બંધ કરી દઈને ગીર સોમનાથ જિલ્લા સ્ટોન ક્રશર એન્ડ બ્લેક કવોરી એસોસિએશને આવેદન પત્ર આપેલ છે.
અચોક્કસ મુદત માટે ગુજરાતભરમાં ખનિજ ઉદ્યોગ બંધ !!
ગીરસોમનાથ જિલ્લા સ્ટોન ક્રશર એન્ડ બ્લેક કવોરી એસોસિએશનના અગ્રણી સુંદરગીરી ગોસ્વામી તેમજ ખીમભાઈ રામએ જણાવેલ કે અગિયાર માગણીના ઉકેલ ન આવે ત્યાં સુધી તંત્ર સામે વિરોધ ચાલુ રહેશે અને અચોક્કસ મુદ્દત માટે તમામ ભરડીયા સ્ટોન ક્રશર બંધ રહેશે..!!
રોયલ્ટી પાસ પદ્ધતિ બંધ કરો
હાલ સરકારે સ્ટોન ક્રશરના ઉત્પાદનની હેરાફેરી બાબતે રોયલ્ટી પાસ ફરજીયાત બનાવેલ આ પાસ પધ્ધતિને પણ બંધ કરવી જોઈએ. !!