પાવીજેતપુર, તા.ર
આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગુજરાત ગૌરવ યાત્રા લઈને છોટાઉદેપુર જિલ્લામાં આવી પહોંચ્યા હતા. ત્યારે સ્થાનિક ધારાસભ્ય અને વન અને આદિજાતિ વિકાસ વિભાગના સંસદીય સચિવ જયંતી રાઠવાની સૂચક ગેરહાજરી જણાઈ આવતી હતી, જેને લઈને કાર્યકરોમાં ગણગણાટ જોવા મળતો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલથી શરૂ થયેલી ગુજરાત ગૌરવ યાત્રા આજે છોટાઉદેપુર જિલ્લામાં આવી પહોંચી હતી અને જિલ્લાના ગોલાગામડી ખાતે તેનું સ્વાગત કરીને સભા કરાઈ હતી. આ યાત્રામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રભારી મંત્રી શબ્દશરણ તડવી, રમત ગમત મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ રામસીંગ રાઠવા તેમજ અન્ય હોદ્દેદારો આવ્યા હતા. પરંતુ જિલ્લાના એક માત્ર સ્થાનિક ભાજપી ધારાસભ્ય અને રાજ્યના વન અને આદિજાતિ વિકાસ વિભાગના સંસદીય સચિવ જયંતી રાઠવાની સૂચક ગેરહાજરી જોવા મળતી હતી. જેને લઈ કાર્યકરોમાં ગણગણાટ જોવા મળી રહ્યો હતો. આ અંગે જયંતી રાઠવાનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે મને હર્નિયાની તકલીફ થઈ છે અને છાતીમાં થોડો દુઃખાવો છે એટલે આજના કાર્યક્રમમાં આવી શકાયું નથી પરંતુ વાત કંઈ અલગ હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે થોડા દિવસો પહેલાં ભાજપના કોન્સેસ પ્રક્રિયામાં કેટલાક કાર્યકરોએ તેમજ સરપંચોએ ધારાસભ્યનો વિરોધ કર્યો હતો જેને લઈને ધારાસભ્ય નારાજ હોવાને કારણે આજે આ ગૌરવ યાત્રામાં હાજર રહ્યા ન હતા.