(સંવાદાદતા દ્વારા) અમદાવાદ,તા.૨૫
સફાઇ કર્મચારીના વારસદારોને નોકરી સહિતની વિવિધ સોળ પડતર માગણીને લઇને શહેરના ૧૩ હજાર સફાઇ કર્મચારી છેલ્લા ત્રણ દિવસથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઊતર્યા હતા. મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા અને નોકરમંડળના પદાધિકારીઓ વચ્ચે બેઠક બાદ હડતાળનો અંત આવ્યો હતો. ગત સોમવારથી મ્યુનિસિપલ સફાઇ કામદારો પોતાની પડતર માગણીઓને લઇને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઊતર્યા હતા. સફાઇ કામદારોની અચોક્કસ મુદ્દતની હડતાળના પગલે તંત્ર લાલ આંખ કરતાં આ આંદોલન લંબાય તેવી શકયતા ઉદ્દભવી હતી. ગઇ કાલે તો સફાઇ કર્મચારીઓએ ઠેરઠેર કચરાની ગાડીને રોકીને તેનો કચરો રોડ પર ઠાલવતાં માહોલ ગરમાયો હતો. તોફાને ચઢેતા આંદોલનકારીઓ સામે આઠ પોલીસ કેસ કરાયા હતા. દરમ્યાન નોકર મંડળના પ્રમુખ દેવકરણ સાબરિયાનો હડતાળ અંગે સંપર્ક કરતાં તેઓ કહે છે, ગઇ કાલે રાત્રે પવિત્ર યાત્રાધામ બોર્ડના અધ્યક્ષ રાજુભાઇ ધ્રુવ સાથે ગાંધીનગરમાં અમે બેઠક યોજી હતી. જેમાં તેમની મધ્યસ્થતાથી આજે સવારે હડતાળ સમેટી લેવાઇ છે. મ્યુનિ.કમિશનરે સફાઈ કર્મચારીઓના તમામ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી છે તો આ સાથે જ સફાઈ કર્મચારીઓએ જણાવ્યું કે, અત્યાર સુધી શહેરીજનોને તકલીફ પડી તેના બદલ અમે માફી માંગીએ છીએ. સમગ્ર મામલે નોકર મંડળે જણાવ્યું કે હવે શહેરને અમે સ્વચ્છતા અભિયાનમાં પ્રથમ ક્રમે લાવીને બતાવીશું અને સાથે જ ફરીથી કયારેય આ પ્રકારે શહેરને બાનમાં નહીં લઈએ. તેમણે જણાવ્યું કે આ સ્થિતિમાં શહેરીજનોએ અમને સહકાર આપ્યો તે માટે સહુ કોઈનો આભાર. તો આ સાથે જ સફાઈ કર્મચારીઓ સંપૂર્ણ સહકારની ખાતરી પણ આપી છે. જ્યારે મ્યુનિ.કમિશનરે જણાવ્યું કે, સફાઈ કર્મચારીઓની હડતાળ પૂર્ણ થઈ એ શહેરના હિતમાં છે. જે લોકો નિષ્ઠાથી ફરજ બજાવશે તેમના તમામ પ્રશ્નો સાંભળવામાં આવશે. તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં શહેરમાં એક ખાસ સફાઈ યોજના અમલમાં મૂકાશે તો આ સાથે જ સ્વચ્છતા સર્વેક્ષણમાં શહેર વધુ આગળ રહે તે પ્રકારનું પણ કાર્ય કરાશે.