Ahmedabad

ભાવનગરથી ૯૦ કિ.મી. દૂર પરીક્ષા સેન્ટર ફાળવાતાં વિદ્યાર્થીઓ મૂંઝવણમાં

અમદાવાદ,તા.૧
આગામી ૭ માર્ચથી રાજ્યમાં ધો.૧૦-૧ર બોર્ડની પરીક્ષા યોજાવાની છે. જેમાં રાજ્યભરનાં લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાનાં છે. આ બોર્ડની પરીક્ષા માટે રાજ્યભરમાં હોલ ટીકીટ વહેંચવાની શરૂઆત થઈ ચુકી છે અને તેમાં પણ હોલ ટીકીટના છબરડા સામે આવ્યા છે. હજી તેનો વિવાદ સમ્યો નથી. ત્યારે બીજો એક છબરડો સામે આવ્યો છે. વિદ્યાર્થીઓને પોતાની શાળાથી ૯૦-૯૦ કિ.મી. દુર પરીક્ષા સ્થળ ગુજરાત બોર્ડ દ્વારા ફાળવવામાં આવતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે અને વિદ્યાર્થીઓએ આ બાબત અંગે દેકારો બોલાવી દીધો હતો. ભાવનગર શહેરનાં કાળીયાબીડમાં આવેલી વિદ્યાધીશ સ્કૂલનાં ધો.૧૨ બોર્ડનાં ૨૧ પરિક્ષાર્થીઓને છેક બગદાણા પરીક્ષા કેન્દ્ર ફાળવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. બગદાણા ભાવનગરથી ૯૦ કિલોમીટર દૂર આવેલું છે. ત્યારે બોર્ડના પરિક્ષાર્થીઓએ દરરોજ ત્યાં સુધી લાંબા થવાનું? તેવો પ્રશ્ન ઉદ્દભવ્યો હતો. આ અંગે જાણવા મળ્યા મુજબ કાળીયાબીડની ખાનગી સ્કૂલ વિદ્યાધીશ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરીનાં ધો.૧૨ કોમર્સ ઈંગ્લીશ મીડીયમમાં અભ્યાસ કરતા ૨૧ વિધાર્થીઓને પરીક્ષા કેન્દ્ર ભાવનગરને બદલે બગદાણા લખાઈને આવતા દેકારો મચી ગયો હતો.
આવતી ૭ માર્ચે બોર્ડની ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષા શરૂ થવાની છે. ત્યારે શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલી વિદ્યાધીશ વિદ્યાસંકુલ શાળામાં ધોરણ-૧૨ સામાન્ય સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતાં ૨૧ વિદ્યાર્થીઓના બેઠક ક્રમાંક નંબર ભાવનગરની કોઈ શાળામાં આપવાને બદલે છેક ૯૦ કિલોમીટર દૂર બગદાણાની શાળામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતાતુર થઇ ગયા હતા. ડીઇઓ કચેરીમાં શાળા અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ રજૂઆત કર્યા બાદ ડીઈઓ એ.બી.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ સમગ્ર બાબતે ગુજરાત બોર્ડમાં વાતચીત કરી હકીકતની જાણકારી આપ્યા બાદ કહી શકાશે કે, હવે બગદાણા સુધી આ ૨૧ વિદ્યાર્થીઓને જવું પડશે નહીં. ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ શાળા દ્વારા ઇન્ડેક્ષ ૧૨.૧૯૯ નબરનાં બદલે ખોટો નખાતા કોમ્પુટરએ ખોટો નંબર નહિ સ્વીકારી અને ઇન્ડેક્ષ ૧૨.૧૪૪ સ્વીકારતા જે બગદાણા ખાતેનાં સેન્ટરનો હોય જેના લીધે ૨૧ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. હવે જોવું એ રહ્યું છે કે, બોર્ડ આ ર૧ વિદ્યાર્થીઓને ૯૦ કિ.મી. દુર બગદાણા સુધી જવા દે છે કે પછી તેમના માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવે છે.