જંબુસર-ભરૂચ વચ્ચે અનિયમિત બસો અને ચાલકોની આડોડાઈ : વિદ્યાર્થીઓનો હલ્લાબોલ

(સંવાદદાતા દ્વારા) ભરૂચ, તા.૩૦
ભરૂચ તાલુકાના દેરોલ ગામે અભ્યાસ અર્થે અપડાઉન કરતા વિદ્યાર્થીઓએ લાંબા સમયથી અનિયમિત એસટી બસો અને બસચાલકો બસો ઊભી ન રાખતા હોવાની ફરિયાદો કરવા છતાં બસો ઊભી ન રાખતા હોવાની ફરિયાદો કરવા છતાં નિરાકરણ ન આવતા આજરોજ એક વિદ્યાર્થી બસમાં ચઢવા જતા ચાલકે બસ ઉપાડી લેતા વિદ્યાર્થીને ઈજાઓ પહોંચતા મામલો બિચકયો હતો. વિદ્યાર્થીઓએ ૮થી ૧૦ જેટલી બસો રોકી રાખતા તંત્રમાં દોડધામ વ્યાપી જવા પામી હતી. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ-જંબુસર વચ્ચે કંથારિયા, થામ, દેરોલ, વ્હાલુ, દયાદરા સુધીના ગામોમાં સેંકડો વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે અપડાઉન કરતા હોય છે. જે મહત્તમ એસટી બસોને ઉપયોગ કરે છે ત્યારે ભરૂચ-જંબુસર વચ્ચે અનિયમિત બસો અને બસચાલકો દ્વારા બસો નહીં ઊભી રખાતા વારંવાર ઘર્ષણના બનાવો બનવા પામે છે. આ અંગે વિદ્યાર્થીઓએ અગાઉ પણ એસટી તંત્રના ઉચ્ચ અધિકારીઓને આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં તેઓ કોઈ નિકાલ નહીં આવતા દરમિયાન આજરોજ આદિલ નામનો વિદ્યાર્થી બસમાં ચઢવા જતાં બસચાલકે બસ ઉપાડી લેતા આદિલ નીચે પટકાઈ જતા ઈજાગ્રસ્ત થવા પામ્યો હતો. જેના પગલે વિદ્યાર્થીઓ આક્રોશે ભરાતા વિદ્યાર્થીઓએ જંબુસરથી આવતી બધી જ બસોને અટકાવી દઈ ભારે સૂત્રોચ્ચાર અને હોબાળો મચાવતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો. વિદ્યાર્થીઓએ મુસાફરો ભરેલી સાતથી આઠ બસો અટકાવી દેતા એસટી તંત્રના અધિકારીઓ સ્થળ ઉપર દોડી ગયા હતા. ઉપરાંત પોલીસ કર્મીઓ પણ સુરક્ષાના કારણોસર ઘટનાસ્થળે દોડી ગયા હતા. વિદ્યાર્થીઓએ ઉગ્ર ચર્ચા સાથે વિદ્યાર્થીઓ માટે અલાયદી બસ વ્યવસ્થા ઊભી કરવા માંગ કરી હતી. એસટી વિભાગના અધિકારીઓએ બે દિવસમાં તેમની સમસ્યાનું નિવારણ કરવા ધરપત આપતા મામલો શાંત પડ્યો હતો. જો કે, રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ બે દિવસમાં નિવારણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવા ચીમકી ઉચ્ચારી હતી.
….વિદ્યાર્થીઓની સમસ્યાનું નિવારણ ન આવે તો વાલીઓ પણ જોડાશે
ભરૂચ જિલ્લા વ્હોરા પટેલ ટ્રસ્ટના પ્રમુખ ઈકબાલભાઈ પાદરવાલાએ વિદ્યાર્થીઓની સમસ્યાનું ત્વરિત નિવારણ નહીં આવે તો વિદ્યાર્થીઓ સહિત તેમના વાલીઓ પણ આવનાર દિવસોમાં આંદોલનમાં જોડાશે તેમ ચીમકી ઉચ્ચારી હતી. ઈકબાલભાઈ પાદરવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, આ વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે જોડાયેલ પ્રશ્ન હોય ઉચ્ચ અધિકારીઓએ ધ્યાન કેન્દ્રીય કરવું જોઈએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks