છીપા સમાજ દ્વારા ૧૬ એપ્રિલે છીપા દિવસ ઊજવાયો
અમદાવાદમાં છીપા દિવસની ઉજવણી નિમિત્તે વિનામૂલ્યે મેડિકલ કેમ્પ યોજાયો
અમદાવાદ, તા.૧૬
સમગ્ર દુનિયામાં વસતા છીપા સમાજના લોકો ૧૬ એપ્રિલના રોજ છીપા દિવસ (યૌમે છીપા) તરીકે મનાવે છે. આથી આજરોજ સમસ્ત છીપા સમાજ દ્વારા આ દિનની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. અમદાવાદમાં પણ છીપા સમાજ દ્વારા ૭૬૪માં છીપા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તે નિમિત્તે વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આજથી આઠ સદી અગાઉ ૧૬ એપ્રિલના રોજ મહાન સૂફી સંત હઝરત હમીદુદ્દીન નાગોરી (ર.અ.)ના નેજા હેઠળ છીપા સમાજના વડવાઓએ ઈસ્લામ ધર્મ સ્વીકારી ઈમાનની રોશનીમાં પ્રવેશ કર્યો હતો. એજ દિવસને દુનિયામાં વસતા છીપા ભાઈઓ છીપા દિવસ એટલે કે યૌમે છીપા તરીકે ઉજવે છે. અમદાવાદમાં પણ છીપા સમસ્ત જમાત કમિટી દ્વારા આજે સવારે આસ્ટોડિયા રોડ છીપા કોમ્યુનિટી સેન્ટર ખાતે છીપા સમાજની પ્રગતિ અને ઈમાન કાયમ રહે તે માટે બુઝુર્ગોના ઈસાલે સવાબ માટે કુર્આન ખ્વાની રાખવામાં આવી હતી અને દૂઆ કરવામાં આવી હતી. આ ઉપરાંત સવારે ૧૦થી ૧ વાગ્યા સુધી વિનામૂલ્યે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન છીપા જમાતના પ્રમુખ ફિરોજભાઈ રીંછડીવાળા, સેક્રેટરી હબીબભાઈ ખેડાવાળા, ખજાનચી યાસીનભાઈ પીપાડવાળા તથા કારોબારીના સભ્યોએ સુંદર રીતે કર્યું હતું. જ્યારે માજી ધારાસભ્ય સાબીર કાબલીવાળા કાર્યકર્મના સહયોગી તરીકે માજી મ્યુનિ. કાઉન્સિલર મુસ્તાક ખાદીવાળા, ડૉ. ઈકબાલ છીપા તથા ઉસ્માનભાઈ ધલ્લાવાળાએ સેવાઓ આપી હતી. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ યાકુબભાઈ હઠીરમંગવાળા, ઈકબાલભાઈ રાજા, ઈકબાલભાઈ કુંદીવાળા, યાસીનભાઈ પાલીવાળા, ઐયુબભાઈ ખાપી ડાઈગવાળા, યુસુફભાઈ વડનગરવાળા, યાસીનભાઈ કચરાજીવાળા, યુસુફભાઈ ખેડાવાળા, યુસુફભાઈ પીપાડવાળા, અબુભાઈ કુચેરાવાળા સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.