બારામુલામાં રાષ્ટ્રીય રાઈફલ્સની છાવણી પર રાતના અંધારામાં ફિદાયીન હુમલો : બન્ને પક્ષે સામસામે ભારે ગોળીબાર જારી
સર્જિકલ સ્ટ્રાઈક પછીના પહેલા હુમલામાં બે આતંકીઓ માર્યા ગયા : એક જવાન શહીદ : સેનાના બે અને બીએસએફના બે જવાન ઘાયલ
(એજન્સી) શ્રીનગર, તા.ર
કાશ્મીર ખીણમાં એક વાર ફરીથી આતંકીઓએ સેનાની છાવણીને ટાર્ગેટ બનાવતા રવિવારની રાત્રે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં અત્યાર સુધી કોઈના ઘાયલ થવાના સમાચાર નથી.
બિનસત્તાવાર અહેવાલ મુજબ આ હુમલામાં બે આતંકીઓ માર્યા ગયા છે જ્યારે એક જવાન શહીદ થયો છે. સેનાના બે તથા બીએસએફના બે જવાન ઘાયલ થયાના પણ અહેવાલો મળ્યા છે.
સૂત્રો મુજબ રવિવાર રાતના લગભગ સાડા દસ કલાકે આતંકીઓએ બારામુલા સ્થિત સેનાની ૪૬ રાષ્ટ્રીય રાઈફલ્સના કેમ્પ પર ગોળીબાર શરૂ કરી દીધો. આ દરમિયાન પહેલાંથી એલર્ટ જવાનોએ આતંકીઓના ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો. કેમ્પમાં બન્ને તરફથી ગોળીબાર ચાલુ છે. કેમ્પમાં અંધારાનો લાભ ઉઠાવીને આતંકી ફરાર ન થઈ જાય તે માટે સેનાના જવાનો દ્વારા પ્રકાશના ગોળા ફેંકવામાં આવી રહ્યા છે. સૂત્રો અનુસાર આ ફિદાયીન હુમલો છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર ફારૂક અબ્દુલ્લાહે ટ્વીટ કરી ચિંતા વ્યકત કરી છે. દરમિયાન આ આત્મઘાતી હુમલો છે અને એમાં બેથી ચાર ત્રાસવાદીઓ સામેલ થયા હોવાનું મનાય છે. ત્રાસવાદીઓ અને ભારતીય સુરક્ષા જવાનો વચ્ચે જોરદાર ગોળીબાર ચાલુ છે. આ હુમલામાં ભારતીય પક્ષે કોઈનું મરણ થયાનો અહેવાલ નથી. ગયા મહિને જ્યાં ત્રાસવાદીઓએ ભયાનક હુમલો કરીને ભારતના ૧૮ સૈનિકોનો ભોગ લીધો હતો તે ઉરી લશ્કરી મથકથી રાષ્ટ્રીય રાઈફલ્સનો કેમ્પ લગભગ ૩૦ કિ.મી. દૂર આવેલો છે. રાષ્ટ્રીય રાઈફલ્સના કેમ્પ પર આતંકવાદી હુમલો કરાયાને ભારતીય લશ્કરે સમર્થન આપ્યું છે.