(એજન્સી) શ્રીનગર, તા. ૧૫
જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર અને અંગ્રેજી અખબાર ‘રાઇઝિંગ કાશ્મીર’ના ચીફ એડિટર શુજાઅત બુખારીના જનાઝામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો. બારામુલ્લામાં તેમના પૈતૃક ગામ ખીરીમાં હજારો લોકોએ ભીની આંખે તેમને દફનાવ્યા છે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉમર અબ્દુલ્લા, રાજ્યના પીડબ્લ્યુડી પ્રધાન નઇમ અખ્તર, કોંગ્રેસના વરિષ્ઠ નેતા સૈફુદ્દીન સોઝ, સ્થાનિક પત્રકારો અને સમાજના બધા વર્ગના લોકો પણ જનાઝામાં સામેલ થયા હતા. મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તી પણ અહીં ઉપસ્થિત રહ્યાં હતાં. બુખારીને ગુરૂવારે શ્રીનગરમાં તેમના કાર્યાલયની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બુખારીના એક જૂના મિત્ર અને વરિષ્ઠ પત્રકાર મોહમ્મદ સૈયદે તેમના એક સારા માણસ ગણાવ્યા છે અને જણાવ્યું કે બુખારીની હત્યા થઇ હોવાના અહેવાલને તેઓ માની શક્યા ન હતા. બુખારીની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે તેઓ કાશ્મીર ટાઇમ્સમાં હતા ત્યારે જુનિયર તરીકે બુખારી જોડાયા હતા પરંતુ બહુ જ ઓછા સમયમાં તેઓ બહુ આગળ નીકળી ગયા. બુખારી બધાની સાથે પોતાના મંતવ્યો શેર કરતા હતા. તેમણે એવું પણ કહ્યું કે બુખારી સમર્પિત હતા અને પોતાના વ્યવસાયમાં કાર્યક્ષમ હતા. બુખારીની વિદાય તેમના પરિવાર, સમાજ અને મીડિયા માટે ભારે નુકસાન છે. અન્ય એક પત્રકારે તેમને કાશ્મીરીઓનો અવાજ ગણાવ્યા છે.
શુજાત બુખારીના હત્યારાઓ સીસીટીવીમાં ઝડપાયા, ત્રણે લશ્કરના આતંકી
જમ્મુ અને કાશ્મીર પોલીસે વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીના હત્યારાઓને પકડી પાડવા માટે તપાસ શરૂ કરી દીધી છે અને ગુરૂવારે મોડી રાત્રે મોટર સાઇકલ પર આવેલા ત્રણ ત્રાસવાદીઓની વીડિયો ફુટેજ જારી કરી છે. આ ત્રણે બુખારીના હત્યારા છે. ટિ્વટર પર ફોટા જારી કરીને કાશ્મીર પોલીસે બુખારીના હત્યારાઓને ન્યાયના કઠેડામાં લાવવામાં સહાય કરવા બાઇક પર જઇ રહેલા આ ત્રણે હુમલાખોરોને ઓળખી પાડવાની લોકોને અપીલ કરી છે. દરમિયાન, એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે બાઇક પર જઇ રહેલા ત્રણે હુમલાખોરોને ઓળખી પાડવામાં આવ્યા છે. ત્રણે લશ્કરના આતંકી છે. તેમને અબૂ ઉસામા, નવીદ જટ અને મેહરાજુદ્દીન બંગારૂ તરીકે ઓળખી પાડવામાં આવ્યા છે અને હવે તેમને શોધવામાં આવી રહ્યા છે. અગાઉ, પોલીસે જણાવ્યું કે બુખારીના હત્યારાઓને પકડવા અને મામલાની તપાસમાં અમારી મદદ કરો. શકમંદોને ઓળખી પાડવામાં અમારી મદદ કરવા આગળ આવો. પોલીસે એવી ખાતરી પણ આપી છે કે શંકાસ્પદોની માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. પોલીસે મોબાઇલ નંબર્સ પણ આપ્યા છે.
શેહલા રશીદનો સનસનાટીપૂર્ણ આરોપ, શુજાત બુખારીના જનાઝામાં સામેલ લોકો માને છે કે, તેમની હત્યા એજન્સીઓનું કામ
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિ ગુરૂવારે કાશ્મીરના વરિષ્ઠ પત્રકાર સૈયદ સુજાત બુખારીની ઘાતકી હત્યાને વખોડતા ભાંગી પડ્યા હતા. મૃત્યુ પહેલા રાઇઝિંગ કાશ્મીર અખબારના તંત્રી રહેલા શુજાત બુખારીને યાદ કરતા તેમણે કહ્યુ કે, હું શું કહું, તેઓ થોડા દિવસ પહેલા જ મને મળવા આવ્યા હતા. મહેબૂબા મુફ્તિએ તેમની અને તેમની સાથે રહેલા સલામતી ગાર્ડ પર હુમલા અંગે આઘાત વ્યક્ત કર્યો હતો. તેમણે ઇદ પહેલા આતંકની ઘાતકી ઘટના ગણાવી હતી. દરમિયાન કાશ્મીરની કાર્યકર શેહલા રશીદે ટિ્વટ કર્યું હતું કે, બુખારીના જનાઝામાં સામેલ લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે, કોઇ તેમને કેમ મારશે, તેઓ માને છે કે, આ કૃત્ય એજન્સીઓનું છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, તે સમયે કોઇ પોલીસ કે સીઆરપીએફ કેમ હાજર નહોતા. કાશ્મીરની શેહલા રશીદે કહ્યું કે, શુજાત બુખારી સાહબની અંતિમ વિધિ લાંબી ચાલશે. તેઓની એક નવમા ધોરણમાં ભણતી પુત્રી અને ૧૦મા ધોરણમાં ભણતો છોકરો અને તેમની પત્ની છે. બુખારીએ રંગનાથન નામની વ્યક્તિ પ્રત્યે અસહમતી દર્શાવી હતી જેને થિન્ક ટેન્કે પ્લેટફોર્મ પુરૂ પાડ્યું હતું કે, તેઓ બુખારીની ટીકા કરે તેના કલાકોમાં જ બુખારીની હત્યા કરી દેવામાં આવી હતી. બુખારીએ લખ્યું હતું કે, એ કમનસીબ બાબત છે કે, વિશ્વાસપાત્ર થિંક ટેન્ક આવું કરી શકે છે. કાશ્મીરમાં અમે સ્વમાન સાથે પત્રકારિતા કરી છે અને જમીની સ્તરે શું થઇ રહ્યું છે તેને દર્શાવતા રહીશું.
કાશ્મીરના પત્રકારોના હત્યારાઓ ક્યારેય પકડાયા નથી, શું બુખારીના હત્યારાઓ પણ છટકી જશે ?
શ્રીનગરમાં ધોળે દિવસે વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની અજ્ઞાત હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવતા ખીણમાં સમગ્ર મીડિયાને આઘાત લાગ્યો છે. કાશ્મીરમાં અજ્ઞાત હુમલાખોરોનીે ગોળીનો ભોગ બનેલા બુખારી પ્રથમ પત્રકાર નથી, અગાઉ પણ પત્રકારોની હત્યા કરવામાં આવી છે પરંતુ આશ્ચર્ય કે આઘાત પમાડનારી બાબત એ છે કે કોઇ પણ પત્રકારના હત્યારા ક્યારેય પકડાયા નથી અને કોઇ પણ હત્યારાને સજા થઇ નથી. બુખારીની હત્યા પછી ફરી એવો પ્રશ્ન કરવામાં આવી રહ્યો છે કે શું અગાઉની જેમ બુખારીના હત્યારાઓ પણ છટકી જશે. તેઓ પણ પકડાશે નહીં ? ૧૯૯૦માં કાશ્મીરમાં સર્વપ્રથમ સ્થાનિક દૂરદર્શન કેન્દ્રના ડિરેક્ટર અને પત્રકાર લસ્સા કોલનું અપહરણ કર્યા બાદ તેમની હત્યા કરાઇ હતી. ત્યાર પછી એપ્રિલ ૧૯૯૧માં મુહમ્મદ શબાન વકીલની, સપ્ટેમ્બર ૧૯૯૫માં મુશ્તાક અલી, જાન્યુઆરી ૧૯૯૭માં અલ્તાફ એહમદ ફક્તૂ, ૧૯૯૭ની ૧૬મી માર્ચે સૈદાન શફી અને ફેબ્રુઆરી ૨૦૦૩માં પરવેઝ મોહમ્મદ સુલ્તાનની હત્યા કરાઇ હતી.
‘કાશ્મીર અનેક ઉલ્લંઘનમાં આંતરરાષ્ટ્રીય તપાસની માગણી કરી રહ્યું છે’ : શુજાત બુખારીની છેલ્લી ટિ્વટ
(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૫
રાઇઝિંગ કાશ્મીર અખબારના તંત્રી શુજાત બુખારીની અજ્ઞાત હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી તેના કલાકો પહેલા તેમણે ટિ્વટર પર પોતાની કામગીરીનો જોરદાર રીતે બચાવ કર્યો હતો. દિલ્હીના કેટલાક પત્રકારો દ્વારા શુજાત બુખારી પર કાશ્મીર અંગે પક્ષપાતી રિપોર્ટિંગ કરવાનો તેમની સામે આરોપ મુક્યો હતો અને કાશ્મીર ખીણમાં માનવ અધિકારોના ભંગે અંગેનો યુએન રિપોર્ટ પોસ્ટ કર્યો હતો. બુખારીએ તેમના છેલ્લા ટિ્વટમાં લખ્યું કે ‘કાશ્મીર અનેક ઉલ્લંઘનમાં આંતરરાષ્ટ્રીય તપાસની માગણી કરી રહ્યું છે’.ે