(એજન્સી) શ્રીનગર, તા. ૧૫
જમ્મુ અને કાશ્મીરના વરિષ્ઠ પત્રકાર અને રાઇઝિંગ કાશ્મીર અખબારના ચીફ એડિટર શુજાત બુખારીની હત્યાના ૨૦ કલાકમાં જ પોલીસે ચોથા શકમંદની ધરપકડ કરી લીધી છે. પોલીસ કાર્યવાહી વિશે માહિતી આપતા કાશ્મીરના આઇજીપી એસપી પાનીએ જણાવ્યું કે બુખારીની હત્યામાં સંડોવાયેલા હોવાની શંકાએ એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરાઇ છે. વીડિયો ફૂટેજને આધારે શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. એસપી પાનીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે શુજાત બુખારીની હત્યાને ત્રાસવાદ સાથે સંબંધિત અપરાધ ગણાવ્યો છે. આઇજીપીએ જણાવ્યું કે બુખારી હત્યા કેસની તપાસ કરવા માટે એક ખાસ ટીમ (એસઆઇટી)ની રચના કરવામાં આવી છે. એસઆઇટીનું નેતૃત્વ મધ્ય કાશ્મીરના ડીઆઇજી કરી રહ્યા છે. તપાસ ટીમને આ કેસની ઉંડી તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આઇજીપીએ એવું પણ જણાવ્યું કે સામાન્ય લોકોની મદદથી આ મામલા સાથે સંકળાયેલા એક શંકાસ્પદની અટકાયત કરવામાં આવી છે અને તેની પૂછપરછ ચાલુ છે. વીડિયોમાં પહેલા તો ચોથો શકમંદ શબ બહાર કાઢવામાં લોકોની મદદ કરતો દેખાઇ રહ્યો હતો. ઘટના સ્થળેથી સર્વપ્રથમ બહાર આવેલા કેટલાક ફોટામાં ચોથો શંકાસ્પદ દેખાતો હતો પરંતુ હુમલા બાદ બહાર આવેલા એક વીડિયોમાં એવું જોવામાં આવ્યું કે શબ કારમાંથી બહાર કાઢતી વખતે તેણે એક ગાર્ડની પિસ્તોલ ઉઠાવી લીધી હતી અને આ પિસ્તોલ લઇને બધાની નજર ચુકવીને ત્યાંથી ભાગી ગયો હતો. આ વીડિયો ફુટેજને આધારે પોલીસે એ ચોથા શંકાસ્પદની અટકાયત કરી લીધી છે અને તેની પાસેથી એ પિસ્તોલ પણ કબજે કરવામાં આવી છે. એટલું જ નહીં, ઘટના વખતે તેણે પહેરેલા વસ્ત્રો પણ કબજે કરી લેવામાં આવ્યા છે જમ્મુ-કાશ્મીર પોલીસે હત્યામાં સંડોવાયેલા હુમલાખોરોની તસવીરો જારી કરીને લોકોને તેમની ઓળખ કરવાની અપીલ કરી હતી. ત્યાર પછી લોકોની મદદથી પોલીસે હુમલાખોરોને અબૂ ઉસામા, નવીદ જટ અને મેહરાજુદ્દીન બંગારૂ તરીકે ઓળખી પાડવામાં આવ્યા છે. તે ઉપરાંત એક વીડિયોમાં ઘટસ્થળે અન્ય એક શંકાસ્પદ વ્યક્તિનો ફોટો બહાર આવ્યો હતો.