અમદાવાદ,તા.૪
દરિયાઈ જળસીમા ધરાવતા ગુજરાતના સુનામી સામે સજજતા કેળવવા અને લોક જાગૃત્તિના ભાગરૂપે રાજય સરકારની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા મોકડ્રીલ યોજાઈ હતી. કચ્છ અને જામનગર જિલ્લાના ચાર ગામોમાં સુનામીની સૌથી વધુ અસર થઈ હોય એ રીતે પગલાંઓ લેવાયા હતા. સવારે ૧૧-૩૦ વાગ્યે શરૂ થયેલી મોકડ્રીલ સાંજ સુધી ચાલી હતી. ગુજરાતમાં કચ્છ, જામનગર, પોરબંદર, ભરૂચ, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓ સુનામી સંભવિત વિસ્તારો છે આ સભાવનાને ધ્યાને લઈને ગુજરાત પણ ઈન્ડિયન ઓસન વાઈડ સુનામી મોકડ્રીલમાં જોડાયું હતું. સુનામીની ચેતવણી પ્રસારણ પ્રણાલીની અસરકારકતાનું મુલ્યાંકન કરવા, સુનામી પ્રત્યેની સજજતા કેળવવા અને આકસ્મિક ઘટનાઓ-કુદરતી આપત્તિઓ સામેના પ્રતિભાવની ક્ષમતાઓનું મુલ્યાંકન કરવા તથા સંકલન સુધારવા માટે સુનામી મોકડ્રીલનું આયોજન કરાયું હતું.
મોકડ્રીલના ભાગરૂપે ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓસન ઈન્ફર્મેશન સર્વિસ તરફથી રાજયના ઈમરજન્સી ઓપરેશન સેન્ટરને સંદેશો મળ્યો હતો કે ઈરાનના કાંઠે ર૪.૮ ઉત્તર અને પ૮.ર પૂર્વ દિશામાં ૯.૦ મેગ્નિટયુડ તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો છે અને આ ભૂકંપથી સુનામીની સંભાવના છે ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના માસ્કા અને જનકપુર તથા જામનગર જિલ્લાના દિગ્વિજયગ્રામ તથા બાલાછડીને સુનામીની ગંભીર અસર પહોંચી શકે છે. આવો સંદેશો મળતા જ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાહત નિયામક એમ. આર. કોઠારી, જી.વી. મુંગલપરા અને વરિષ્ઠ અધિકારીઓએ યુધ્ધના ધોરણે પગલાં લેવાનું શરૂ કર્યું હતું. રાજયના મુખ્ય સચિવ કક્ષાએ જાણ કરીને કચ્છ અને જામનગર જિલ્લાના કલેકટરોને તાકીદ કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્રો પણ તુરત જ સક્રિય થઈ ગયા હતા અને મોકડ્રીલ શરૂ થઈ ગઈ હતી.
કચ્છ અને જામનગર જિલ્લા કલેકટરોએ પોત-પોતાના જિલ્લાઓમાં અધિકારીઓની ઈમરજન્સી બેઠકો બોલાવીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ગાંધીનગરના ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી જિલ્લાઓની જરૂરિયાતની પૃચ્છા કરીને આવશ્યક મદદ પહોંચાડવાના આદેશો કરવામાં આવ્યા હતા. ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે શ્રીમતી અનુરાધા મલ્લના અધ્યક્ષપદે ઉચ્ચ અધિકારીઓની તાકીદની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત વાયુસેના, કોસ્ટગાર્ડ, એસઆરપીએફ, સીઆરપીએફ, એનડીઆરએફ, ફાયરબ્રિગેડ, પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.