નવી દિલ્હી, તા.૬
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરને પાકિસ્તાનના ભાવિ વડા પ્રધાન ઈમરાન ખાને પોતાના શપથગ્રહણ સમારોહમાં સામેલ થવાનું નિમંત્રણ પાઠવ્યું છે. આ અંગે ગાવસ્કરે કહ્યું કે, ”ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહેરીક-એ-ઈન્સાફ તરફથી નિમંત્રણ મળ્યું છે.
ઈમરાનની પાર્ટી તરફથી મારા પર ફોન આવ્યો હતો, પરંતુ હજુ સુધી તેના શપથ સમારોહની તારીખ નક્કી થઈ નથી. જ્યારે તારીખ નક્કી થશે ત્યારે સત્તાવાર નિમંત્રણ આવશે.”
જોકે ગાવસ્કરે હજુ પાકિસ્તાન જવાનો નિર્ણય કર્યો નથી. તેણે કહ્યું કે, ”ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની વ્યસ્તતાના કારણે મારું જવું મુશ્કેલ છે. આ ઉપરાંત હું શપથગ્રહણ સમારોહમાં જવા માટે ભારત સરકારની મંજૂરી અને સલાહ પણ લઈશ. ત્યાર બાદ જ કોઈ નિર્ણય કરીશ. ભારત સરકાર મંજૂરી આપશે તો હું પાકિસ્તાન જઈશ.”
આ ઉપરાંત ભૂતપૂર્વ કેપ્ટન કપિલદેવે પણ કહ્યું કે, ”મને આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ એ લેખિતમાં નથી. મને ઇમરાનની પાર્ટી તરફથી ફોન આવ્યો હતો, પરંતુ હજુ સુધી કોઈ ઈ-મેઇલ આવ્યો નથી. હું સત્તાવાર આમંત્રણની રાહ જોઉ છું. જો સત્તાવાર આમંત્રણ મળશે તો હું જઈશ.