ગૌરક્ષાના નામે સરકાર હિંસાની મંજૂરી આપી શકે નહીં : સુપ્રીમકોર્ટ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૭
ગૌરક્ષાના નામે મોબલિંચિંગ અંગે સુપ્રીમકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમકોર્ટે જણાવ્યું કે ગૌરક્ષાના નામે દેશને ભીડતંત્ર બનાવી શકાય નહીં અને કોઇ પણ કાયદો પોતાના હાથમાં લઇ શકે નહીં. આ પ્રકારની હિંસા માટે કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવાની જરૂર છે. કોર્ટે એવું પણ જણાવ્યું કે આજે સમગ્ર દેશમાં ગૌરક્ષના નામે થઇ રહેલી ભીડ હિંસા અને ટોળાશાહીના ભયાનક કૃત્યોને સાંખી લઇ શકાય નહીં. આ પ્રકારની હિંસા રોકવાની જવાબદારી રાજ્ય સરકારોની છે. દેશમાં ભીડતંત્રની મંજૂરી આપી શકાય નહીં . કેન્દ્ર અને રાજ્ય સરકારોની આકરી ટીકા કરતા કોર્ટે તેમને કાયદા અંગે વિચાર કરવાનું જણાવ્યું છે અને ઉમેર્યું કે હિંસા રોકવા માટે સંસદ કાયદો બનાવે. રાજ્ય સરકારોને બંધારણ મુજબ કામ કરવાનો સુપ્રીમકોર્ટે સખત આદેશ આપ્યો છે. સાથે જ રાજ્ય સરકારોને લિંચિંગ રોકવા સાથે સંબંધિત ગાઇડલાઇન્સને ચાર સપ્તાહમાં લાગુ કરવાનો પણ આદેશ આપ્યો છે. આ મામલામાં હવે આગામી સુનાવણી ૨૮મી ઓગસ્ટે હાથ ધરવામાં આવશે.
નોંધનીય છે કે,ગૌરક્ષાના નામે થઇ રહેલી ભીડની હિંસા અટકાવવાના સંદર્ભમાં માર્ગદર્શિકા જારી કરવા માટે સુપ્રીમકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પરની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે આ પ્રકારની થઇ રહેલી ભીડ હિંસાને રોકવાની જવાબદારી રાજ્ય સરકારોની છે. કોર્ટે જણાવ્યું કે આ માત્ર કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન નથી પરંતુ ગૌરક્ષાના નામે થઇ રહેલી હિંસા ગંભીર ગુનો છે અને તેની સજા જરૂર મળવી જોઇએ. કોઇ પણ કાયદો હાથમાં લે, એ વાત કોર્ટને સ્વીકાર્ય અને મંજૂર નથી.
ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના નેતૃત્વવાળી બેંચે સ્પષ્ટપણે જણાવ્યું કે કોઇ પણ વ્યક્તિ કોઇ પણ રીતે કાયદો હાથમાં લઇ શકે નહીં, કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની જવાબદારી રાજ્ય સરકારોની છે અને રાજ્ય સરકારોએ આ જવાબદારી અદા કરવી પડશે અને ગમે તે ભોગે મોબ લિંચિંગની ઘટનાઓ અટકાવવામાં આવે. સુનાવણી દરમિયાન અધિક સોલિસીટર જનરલ પીએસ નરસિમ્હાએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર આ મામલામાં ભારે સતર્ક છે પરંતુ મુખ્ય સમસ્યા કાયદો અને વ્યવસ્થાની છે. કાયદો અને વ્યવસ્થા પર નિયંત્રણ રાખવાની જવાબદારી રાજ્ય સરકારોની છે. રાજ્ય પોતે અપીલ કરે ત્યારે કેન્દ્ર તેમાં હસ્તક્ષેપ કરી શકે છે.
સુનાવણી દરમિયાન અન્ય એક અરજદાર તરફથી ઉપસ્થિત થયેલાં વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહે એવી રજૂઆત કરી હતી કે મોબલિંચિંગ (ભીડ દ્વારા હિંસા)ના પીડિતોને વળતર આપવા માટે ધર્મ અને જાતિ વગેરેને ધ્યાનમાં રાખવું જોઇએ નહીં. તેના માટે તેમણે કલમ ૧૫ને ટાંકી હતી. આ બાબતે સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે પીડિત માત્ર પીડિત હોય છે અને તેને અલગ કેટેગરીમાં રાખવું જોઇએ નહીં.

૨૦૧૭માં ગૌરક્ષાના નામે હિંસાના ૨૬ કેસ નોંધાયા

૨૦૧૭માં ગૌરક્ષાના નામે હિંસાના ૨૬ કેસ નોંધાયા હતા. ૮ વર્ષમાં ભીડ દ્વારા સૌથીવધુ હિંસા ૨૦૧૭માં નોંધાઇ હતી. છેલ્લા ૮ વર્ષમાં ગૌરક્ષા સાથે સંબંધિત હિંસાના ૭૦ કેસ નોંધાયા છે. એક આંકડાકીય માહિતીમાં જણાવવામાં આવ્યા મુજબ અફવાઓ ફેલાવાને કારણે ૫૪ ટકા હુમલા થયા છે. સર્વે મુજબ ૫ાંચ ટકા મામલાઓમાં કેસ નોંધાતા નથી. સુપ્રીમકોર્ટે ગૌરક્ષકો સામે પ્રતિબંધ લાદવાની માગણી કરતી અરજી પર ગુજરાત સહિત ૬ રાજ્યોને નોટિસ જારી કરી હતી અને કહ્યું હતું કે આવી ઘટનાઓના મામલામાં રિપોર્ટ રજૂ કરો. સુપ્રીમકોર્ટ દ્વારા જે રાજ્યોને નોટિસ જારી કરવામાં આવી હતી, તેમનામાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન , મહારાષ્ટ્ર અને કર્ણાટકનો સમાવેશ થાય છે. કોર્ટે આ રાજ્યોને નોટિસનો જવાબ રજૂ કરવાનો પણ આદેશ આપ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks