(એજન્સી) નવી દિલ્હી, તા.ર૩
સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી જણાવ્યું છે કે, લગ્નના વિવાદો અને દહેજ સંબંધિત મૃત્યુના કેસોમાં જો પતિના સગાઓની ગુનામાં સંડોવણી પૂરવાર નહીં થતી હોય તો એમને કેસ સાથે જોડવા ના જોઈએ. કોર્ટે નીચલી કોર્ટોને નિર્દેશો આપ્યા કે પતિના દૂરના સગાઓને કેસમાં જોડતી વખતે સાવચેતી રાખવી જોઈએ. સુપ્રીમ કોર્ટે એક વ્યક્તિના મામા દ્વારા કોર્ટમાં કરાયેલ અરજીને માન્ય રાખી હતી. જેમણે હૈદરાબાદ હાઈકોર્ટના જાન્યુઆરી ર૦૧૬ના ચુકાદાને પડકાર્યો હતો. હાઈકોર્ટે આ વ્યક્તિની અરજી રદ કરી હતી. જેમાં એમણે પોતાની સામે શરૂ કરાયેલ ફોજદારી કાર્યવાહીને રદ કરવા અરજી આપી હતી. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા જણાવ્યું કે, ફક્ત આક્ષેપો મૂકવાથી એમની સામે કાર્યવાહી શરૂ ન કરવી જોઈએ. પહેલાં આક્ષેપોને તપાસવા જોઈએ અને એમની સંડોવણી છે કે નહીં એ ખાત્રી થયા પછી આગળ વધવું જોઈએ. બેંચે જણાવ્યું કે, ચાર્જશીટના અભ્યાસથી જણાય છે કે, પ્રથમ દર્શનીય રીતે પતિના મામા સામે અત્યાચાર, ગુનાહિત ષડયંત્ર, છેતરપિંડી અને અપહરણનો કેસ બનતો નથી. આ કેસમાં ફરિયાદીએ પોતાના પતિ અને એમના સગાઓ સામે શારીરિક-માનસિક ત્રાસ આપવાના આક્ષેપો મૂક્યા હતા. એ પણ કહ્યું હતું કે, એમણે મારા પુત્રનું અપહરણ કરાવ્યું હતું. વ્યક્તિના મામાએ પોતાની સામે શરૂ થયેલ ફોજદારી કાર્યવાહી રદ કરાવવા હૈદરાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી પણ એમની અરજી રદ કરાઈ હતી. જેથી એ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.