(એજન્સી) નવી દિલ્હી, તા.૮
સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું કે, ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલ રાફેલ સોદાની વિરૂદ્ધ દાખલ થયેલ જાહેર હિત અરજીની સુનાવણી ૧૦મી ઓક્ટોબરે કરશે. જાહેર હિત અરજી વકીલ વિનીત છાંછાએ દાખલ કરી કોર્ટ સમક્ષ માગણી કરી છે કે, સરકારને રાફેલ સોદા વિશેની વિગતવાર માહિતી જાહેર કરવા આદેશ આપવામાં આવે. ખાસ કરીને યુપીએ અને એનડીએ સરકારો વખતે રાફેલની કિંમતો જણાવી સુપ્રીમ કોર્ટ સમક્ષ બંધ કવરમાં રજૂ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટના સીજેઆઈ રંજન ગોગોઈ, જજ એસ.કે.કૌલ અને જજ કે.એમ.જોસેફની બેંચ જાહેર હિત અરજીની સુનાવણી કરશે. અરજીમાં ડસોલ્ટ કંપનીએ રિલાયન્સને આપેલ કોન્ટ્રક્ટની વિગતો પણ માંગવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટ ૧૦મી ઓક્ટોબરે આ પહેલા વકીલ એમ.એલ.શર્મા દ્વારા દાખલ થયેલ રાફેલ વિમાન અંગેની અરજીની સુનાવણી પણ એ જ દિવસે કરશે જેમાં શર્માએ આ સોદા ઉપર મનાઈ હુકમ મૂકવાની માગણી કરી હતી. આ અરજીની સુનાવણી જજ રંજન ગોગોઈ, નવીન સિંહા અને કે.એમ.જોસેફે કરી હતી જેને પણ ૧૦મી ઓક્ટોબર સુધી મોકૂફ રખાયો છે. મોકૂફ રખાવવા માટે શર્માએ કોર્ટને વિનંતી કરી જણાવ્યું હતું કે, એ વધુ દસ્તાવેજો રજૂ કરવા ઈચ્છે છે. શર્માએ દાવો કર્યો હતો કે, બે સરકારો વચ્ચે થયેલ ૩૬ રાફેલના સોદાને રદ કરવું જ જોઈએ. કારણ કે આ સોદા દ્વારા ભ્રષ્ટાચાર થયો છે. આ સોદો બંધારણના અનુચ્છેદ-રપ૩ મુજબ સુધારાયા પછી કરવામાં આવ્યો નથી. માર્ચ મહિનામાં આ જ પ્રકારની અરજી કોંગ્રેસ નેતા તહસીન એસ.પુનાવાલાએ દાખલ કરી હતી. જેમાં રાફેલ સોદા અંગે તપાસ કરવાની માગણી કરાઈ હતી. આ સોદા માટે કેન્દ્રીય કેબિનેટની મંજૂરી લેવામાં આવી ન હતી. જે રક્ષણ સોદાની પ્રક્રિયા માટે અનિવાર્ય છે. આ સોદો ર૩મી સપ્ટેમ્બર ર૦૧૬ના રોજ કરાયો હતો પણ કેબિનેટની મંજૂરી લેવામાં આવી ન હતી.