(એજન્સી) નવી દિલ્હી, તા.ર૭
સુપ્રીમકોર્ટે આજે જણાવ્યું હતું કે, રજી સ્પ્રેકટમ કેસ ખૂબ જ સંવેદનશીલ છે અને કોઈપણ તપાસ કરનાર અધિકારી શંકાના વાદળો નીચે આવી શકે છે. એરસેલ-મેક્સિસ કેસની તપાસ કરનાર ઈડીના અધિકારી સામે અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં ઈડીના અધિકારી રાજેશ્વરસિંઘ સામે ગંભીર આક્ષેપો કરાયા હતા જેને ધ્યાનમાં લેવા જણાવાયું હતું. વધારાના સોલિસિટર જનરલ વિક્રમજીત બેનરજીએ કોર્ટને જણાવ્યું કે, સરકારની ઈચ્છા છે કે સિંઘ સામે આવક કરતાં વધુ મિલકતના જે અક્ષેપો છે એની તપાસ થવી જોઈએ અને એ સાથે કોર્ટને એ બાબતનો રિપોર્ટ સીલ બંધ કવરમાં આપ્યો હતો. બેંચે દસ્તાવેજો જોયા પછી કહ્યું કે સંવેદનશીલ મુદ્દાઓ આ મામલામાં છે જ્યારે આક્ષેપો મૂકવામાં આવ્યા હોય એ પછી ખોટા હોય અથવા ખરા પણ એની તપાસ થવી જોઈએ. એમણે સિંઘને કહ્યું કે દસ્તાવેજો અમારી સમક્ષ છે એ ચોંકાવનાર છે તમે એક અધિકારી છો તમને આંખો બંધ કરી ક્લિનચીટ નહીં આપી શકાય. બધા જ જવાબદાર છે. તમે પણ તમારા કાર્ય માટે જવાબદાર છો. અમે તમને જણાવવા માંગીએ છીએ કે તમે પણ જવાબદાર છો. અમે તમને નુકસાન પહોંચાડવા નથી માંગતા કે તમારી વિરૂદ્ધ ટિપ્પણી કરવા પણ નથી માંગતા. પણ તમારી સામે ગંભીર આક્ષેપો છે. એ માટે અમે યોગ્ય આદેશ આપીશું. પત્રકાર રજનીશકપૂરે સિંઘ સામે આક્ષેપો મૂકી એમની તપાસ કરાવવા માગણી સાથે સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી છે. સિંઘે કપૂર સામે તિરસ્કાર અરજી દાખલ કરી દાવો કર્યો છે કે આ પ્રકારની અરજી કરી એરસેલ-મેક્સિસ કેસની તપાસમાં અવરોધો મૂકવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. કપૂર સાથે અરજીમાં પક્ષકાર તરીકે જોડાવા ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ અરજી કરી છે.