National

ગૌૈરક્ષાના નામે હિંસા અસ્વીકાર્ય, પીડિતોને ધર્મ સાથે ન જોડો : સુપ્રીમકોર્ટ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૩
સુપ્રીમકોર્ટે ગૌરક્ષકો સહિત ટોળા દ્વારા રહેંસી નાખવાની સમગ્ર દેશમાં સર્જાઇ રહેલી ઘટનાઓ અંગે મંગળવારે કડક વલણ અપનાવ્યું હતું અને રાજ્ય સરકારોને ગૌરક્ષકો તેમ જ હિંસક ટોળાને હત્યા કરતા અટકાવવાની તેમની જવાબદારીની યાદ અપાવી હતી અને જણાવ્યું કે આ પ્રકારની ઘટનાઓ સર્જાવી જોઇએ નહીં. કોઇ પણ રીતે આ પ્રકારની ઘટનાઓ સ્વીકારી શકાય નહીં. આ પ્રકારની ઘટનાઓ નહીં સર્જાય, તેની ખાતરી કરવાની જવાબદારી રાજ્ય સરકારોની છે. કોર્ટે એવું પણ જણાવ્યું કે ટોળા દ્વારા રહેંસી નાખવાની ઘટનાઓ અટકાવવા માટે વિસ્તૃત ચુકાદો જરૂરી છે. દરમિયાન, વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહે કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે ધર્મ કે જાતિને આધારે લિંચિંગની ઘટનાઓ સર્જાય છે અને પીડિતો અને તેમના પરિવારને વળતર આપવા માટે આ બાબત ધ્યાનમાં રાખવી જોઇએ. વળતર સમુદાયને આધારે નહીં પરંતુ પીડિતોને થયેલી ઇજાઓને આધારે આપવું જોઇએ.
ગૌરક્ષાના નામે સમગ્ર દેશમાં થઇ રહેલી ટોળા દ્વારા હિંસા અંગે સુપ્રીમકોર્ટે સખત વલણ અપનાવીને જણાવ્યું કે ગૌરક્ષાના નામે હિંસા સ્વીકાર્ય નથી, કોઇને પણ કાયદો હાથમાં લેવાની મંજૂરી નથી. તેની સાથે જ સુપ્રીમકોર્ટે એવું પણ જણાવ્યું કે ટોળા દ્વારા હિંસા પર અંકુશ લગાવવાની જવાબદારી રાજ્યોની છે. હિંસાની આવી ઘટનાઓ રાજ્યોએ અટકાવવી જોઇએ. દેશમાં ગૌરક્ષાના નામે ભીડ દ્વારા કરવામાં આવી રહેલી હિંસા સામે ચેતવણી આપતા ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના નેતૃત્વવાળી ત્રણ જજીસની બેંચે કોર્ટે જણાવ્યું કે ટોળા દ્વારા હિંસાને ધર્મ કે જાતિ સાથે જોડવી જોઇએ નહીં, કોર્ટે એવું પણ કહ્યું કે પીડિત પીડિત છે.
ચીફ જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ એએમ ખાનવિલકર તેમ જ ડીવાય ચંદ્રચુડની બનેલી બેંચે આ બાબત સાથે સંબંધિત બે અરજીઓ પર સુનાવણી હાથ ધરી હતી. એક અરજી ગૌરક્ષકો સામે કાર્યકર તેહસીન પૂનાવાલા દ્વારા ગયા વર્ષે દાખલ કરવામાં આવી હતી અને સુપ્રીમકોર્ટના આદેશોનું પાલન નહીં કરવા બદલ હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સામે તુષાર ગાંધી દ્વારા અનાદરની અરજીઓ દાખલ કરવામાં આવી હતી. બેંચે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે પરંતુ આ મામલામાં વિસ્તૃત ચુકાદો આપવાનું વચન આપ્યું છે. ચુકાદામાં પીડિતોના વળતર માટેની યોજના અને લિંચિંગ અટકાવવાના આદેશો અને માર્ગદર્શિકાઓનો પણ સમાવેશ હશે. બેંચે ભલામણો આપવાનો પણ અરજદારો, કેન્દ્ર અને રાજ્ય સરકારો સહિત બધા પક્ષકારોને આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન બેંચે એવું પણ કહ્યું કે હિંસાની ઘટનાઓ ખરેખર ટોળા દ્વારા હિંસાનો મામલો છે અને તે અપરાધ છે.
કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરનાર અધિક સોલિસિટર જનરલ પીએસ નરસિમ્હાએ જણાવ્યું કે આ મામલાઓ પર કેન્દ્રની નજર છે અને આવા મામલાઓ નિયંત્રિત કરવાની કોશિશ પણ કરવામાં આવી રહી છે. તેમણે એવું પણ કહ્યું કે સૌથી મોટી સમસ્યા કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની છે અને રાજ્ય સરકારે પગલાં ભરવા જોઇએ. આ બાબતને આધારે તેમણે કેન્દ્ર દ્વારા યોજના ઘડી કાઢવાનું સૂચન ફગાવી દીધું હતું. તુષાર ગાંધીનું પ્રતિનિધિત્વ કરનારાં વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહ દ્વારા એવી અરજ કરવામાં આવી હતી કે કેન્દ્ર કોઇ યજોના ઘડી કાઢે. જ્યારે બેંચે જણાવ્યું કે કોઇને પણ કાયદો હાથમાં લેવાની છૂટ નથી અને આવી ઘટનાઓ નિયંત્રિત કરવાની જવાબદારી રાજ્યોની છે. ૨૦૧૭ની ૬ઠ્ઠી સપ્ટેમ્બરે પણ સુપ્રીમકોર્ટે બધા રાજ્યોને કહ્યું હતું કે ગૌરક્ષાના નામે હિંસા અટકાવવા માટે તેઓ સખત પગલાં ભરે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

  મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
  Read more
  NationalPolitics

  દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

  કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
  Read more
  National

  અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

  એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.