(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
સુપ્રીમકોર્ટે આજે ટીએમસીના ધારાસભ્યની બેંક ખાતા સાથે આધારને જોડવા વિરૂદ્ધ દાખલ કરાયેલ અરજી રદ કરી. સુુપ્રીમકોર્ટે જણાવ્યું કે, આ જ મુદ્દાને પડકારતી અમુક અરજીઓ સુપ્રીમકોર્ટમાં પહેલેથી પડતર છે. જેથી એક જ મુદ્દા માટે હજારો અરજીઓની સુનાવણી કરી શકાય નહીં. અમે તમને સલાહ આપીએ છીએ કે તમે પોતાની અરજી અન્ય અરજીઓ સાથે જોડવાની વિનંતી કરી શકો છો. નવેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં આ બાબતે બંધારણીય બેંચ દ્વારા અરજીઓની સુનાવણી રાખવામાં આવી છે તમે પણ પક્ષકાર તરીકે જોડાઈ શકો છો. સરકાર તરફથી રજૂઆત કરતાં વકીલે જણાવ્યું કે, આધાર મુદ્દે ર૭ અરજીઓ સુપ્રીમકોર્ટમાં પડતર છે. જ્યારે ધારાસભ્યના વકીલે સુનાવણી માટે ભાર મૂક્યો ત્યારે કોર્ટે કહ્યું કે આધાર બાબતના બધા મુદ્દાઓને પડકારવામાં આવ્યા છે. જેથી સુપ્રીમકોર્ટમાં પણ અરજીઓ પડતર હોવાથી અમે આ અરજીની સુનાવણી કરવાની અનિવાર્યતા જોતા નથી. સુપ્રીમકોર્ટે ૩જી નવેમ્બરે બેંકો અને ટેલિકોમ સેવાઓ આપનારાઓને જણાવ્યું હતું કે, હાલમાં જે છેલ્લી તારીખ સરકારે જાહેર કરી છે એ તારીખ ગ્રાહકોને ફરજિયાતપણે જણાવવી. બેંક ખાતા સાથે આધારકાર્ડ જોડવાની છેલ્લી તારીખ ૩૧મી ડિસેમ્બર છે અને મોબાઈલ નંબર માટે ૮મી ફેબ્રુઆરી ર૦૧૮ છે. જો કે, આ બાબતે વચગાળાનો હુકમ આપવા પણ સુપ્રીમકોર્ટે ઈન્કાર કર્યું હતું. ૩૦મી ઓક્ટોબરે મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે આધાર સાથે સંબંધ ધરાવતી અરજીઓની સુનાવણી માટે બંધારણીય બેંચની રચના કરીશું.