દક્ષિણ આફ્રિકામાં ખૂની હુમલા-લૂંટફાટના વધતા બનાવો સામે સલામતી-સુરક્ષા બાબતે કલે.ને આવેદન

અમદાવાદ તા.ર૭
દક્ષિણ આફ્રિકાના વિવિધ દેશોમાં ભરૂચ જિલ્લા મુસ્લિમ વોરા પટેલ સમાજ તથા અન્ય ગુજરાતી સમાજના લોકો પર ખુની હુમલા તથા લૂંટફાટના સતત વધતા બનાવો અંગે ભરૂચ જિલ્લા મુસ્લિમ પટેલ સહાયક મંડળ દ્વારા ગુજરાતી લોકોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા એક આવેદનપત્ર કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું.
દક્ષિણ આફ્રિકામાં મૂળ ભરૂચ જિલ્લાના મુસ્લિમ વોરા પટેલ સમાજના યુવાનો ધંધાર્થે ત્યાં સ્થાયી થયા છે. દૂધમાં સાકર ભળે તેમ તેઓ ત્યાંની સંસ્કૃતિમાં ભળી ગયા છે અને ત્યાંના રાષ્ટ્રમાં ધંધા રોજગાર થકી પોતાનું યોગદાન આપી રહ્યા છે. ત્યાંના વિકાસમાં પટેલ સમાજનો મોટો ફાળો છે. ધંધાર્થે ગયેલ સમાજના યુવાનોએ સામાજિક, શૈક્ષણિક તથા ધાર્મિકક્ષેત્રે પણ ઘણું યોગદાન આપ્યું છે. પોતાની રોજીરોટી માટે ગયેલ પરિવારના મોભી કે તેમના સંતાનો પર ત્યાંના સ્થાનિક નિગ્રો યુવાનો દ્વારા લૂંટના ઈરાદે હુમલાઓ કરવામાં આવી રહ્યાં છે. આ હુમલાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી અહિં ગુજરાતમાં રહેતા તેમના પરિવારજનો ચિંતાતુર રહે છે. સ્થાનિક નિગ્રો યુવાનોના હુમલાઓમાં પટેલ સમાજના અનેક યુવાનો તથા ગુજરાતના અન્ય સમાજના લોકો માર્યા ગયા છે. લૂંટારૂઓ યુવાનોને મારી નાંખી લાખોની લૂંટ ચલાવી નાસી છુટતા ત્યાં રહેતા ગુજરાતી લોકોમાં દહેશત તથા ભયની લાગણી ફેલાઈ જવા પામી છે.
ગુજરાતી યુવાનો પર ઉત્તરોતર વધતા હુમલાઓના બનાવને લઈ ગુજરાતમાં વસતા પરિવારજનોની ચિંતાને લઈને ભરૂચ જિલ્લા મુસ્લિમ પટેલ સહાયક મંડળ અમદાવાદ દ્વારા દક્ષિણ આફ્રિકામાં વિવિધ દેશોમાં વસતા ભરૂચ જિલ્લા મુસ્લિમ વોરા પટેલ સમાજ તથા અન્ય ગુજરાતી સમાજના લોકોની સલામતી અને સુરક્ષા માટે (વિદેશ વિભાગ) ભારત સરકાર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવે તે માટે આજરોજ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જે રાજ્ય સરકાર સુધી પહોંચાડવા અનુરોધ કરાયો હતો. આવેદનપત્ર પાઠવતી વેળા ભરૂચ જિલ્લા મુસ્લિમ પટેલ સહાયક મંડળના પ્રમુખ અબ્દુલમજીદ છેલા, પૂર્વ પ્રમુખ મુસ્તાકભાઈ ઘોડીવાલા, ઐયુબભાઈ મુકરદમ, યુસુફ કાંટાવાલા, યુનુસ ગાંધી અને અબ્દુલરહેમાન ચાંચવેલવાલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts